છત્તીસગઢ: પ્રથમ તબક્કાની 18 બેઠકોમાં કોણ મેળવશે સરસાઈ?

રાયપુર- છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં કુલ 16 લાખ 22 હજારથી વધુ મહિલા અને 15 લાખ 57 હજારથી વધુ પુરુષો તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યાં છે. વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં 4 હજાર 336 મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. આ મતદાન કેન્દ્રોમાં 396 બૂથ નક્સલ પ્રભાવિત સંવેદનશીલ વિસ્તારમાં આવે છે.રાજ્યના પૂર્વ સીએમ અજીત જોગીએ આ વખતની વિધાનસભા ચૂંટણીમાં બસપા સાથે ગઠબંધન કર્યું છે. બીજા તબક્કા માટે 20 નવેમ્બરે મતદાન યોજાશે. અને પરિણામ 11 ડિસેમ્બરે આવશે. હાલ જે 18 બેઠક પર મતદાન કરવામાં આવી રહ્યું છે તેમાં 12 બેઠકો કોંગ્રેસના ફાળે છે. જ્યારે 6 બેઠકો ભાજપના કબજામાં છે.

આ પહેલાં દંતેવાડાના કાટેકલ્યાણ બ્લોકમાં ચૂંટણી ફરજમાં ગયેલા જવાનો અને પોલિંગ પાર્ટીને ટાર્ગેટ કરવા માટે નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો હતો. AIG દેનવાથે ઘટના અંગે જણાવ્યું હતું કે, બ્લાસ્ટ વહેલી સવારે 5:30 વાગે તુમકપાલ-નયાનનગર રોડ પર થયો હતો. તેમાં કોઈને નુકસાન થયું નથી. પોલિંગ પાર્ટી તેમના બુથ પર સુરક્ષીત પહોંચી ગઈ છે.

નારાયણપુર વિસ્તારથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને કેબિનેટ પ્રધાન કેદાર કશ્યપે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સાથે અન્ય કેટલાંક મોટા નેતાઓએ પણ મતદાન કર્યું હતું.