ભીમ આર્મી સંસ્થાપક ચંદ્રશેખર રાવણ PM મોદી સામે વારણસીથી લડશે ચૂંટણી

મેરઠ- ભીમ આર્મીના સંસ્થાપક ચંદ્રશેખર રાવણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે વારાણસીની બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડશે. રાવણે કહ્યું કે, પહેલા સંગઠનના કોઈ મજબૂત ઉમેદવારને મેદાનમાં ઉતારવાનો પ્લાન છે, પરંતુ જો કોઈ ઉમેદવાર નહીં મળે તો, હું જાતે જ વડાપ્રધાન મોદી વિરુદ્ધ ચૂંટણી લડીશ.

ચંદ્રશેખરે વધુમાં કહ્યું કે, મોદીને સરળતાથી જીતવા નહીં દઉં આ પહેલા મેરઠ ખાતે પહોંચીને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ચંદ્રશેખર રાવણ સાથે મુલાકાત કરી હતી. પ્રિયંકાની આ મુલાકાત બાદ ભીમ આર્મી અને કોંગ્રેસમાં ગંઠબંધન થાય તેવી શક્યતાઓ પણ જોવાઈ રહી છે.

પ્રિયંકા ગાંધીની સાથેની મુલાકાત અંગે ચંદ્રશેખરે કહ્યું કે, પ્રિયંકાએ મને ભાઈ કહીને મારા ખબર અંતર પુછયા હતાં. પ્રિયંકાએ મને કહ્યું કે, તમે એકલા સરકાર સામે લડી રહ્યાં છો તો આ લડાઈમાં અમે બધા તમારી સાથે છીએ. અમે બધા તમને સમર્થન કરીએ છીએ.

પ્રિયંકા ગાંધીએ ચંદ્રશેખર સાથે મુલાકાત કર્યા બાદ કહ્યું કે, આ મુલાકાતને રાજનીતિ સાથે જોડીને ન જોવી જોઈએ. ચંદ્રશેખર યુવા છે અને સંઘર્ષ કરી રહ્યાં છે. સરકાર આવા યુવાનોને કચડી નાખવા માગે છે. અમને આ છોકરાનું જોશ પસંદ છે, અને એ જોઈને સારું લાગ્યું કે, તે સંઘર્ષ કરી રહ્યો છે.

સુત્રોના જણાવ્યા અનુસાર ઈમરાન મસૂદની ભલામણથી પ્રિયંકા ગાંધી ચંદ્રશેખરને મળવા પહોંચી હતી. ભીમ આર્મી પશ્ચિમ યૂપીમાં સૌથી મજબૂત છે. અહીંના લોકો માયાવતીથી મોટા નેતા ચંદ્રશેખરને માને છે. દલિત સમુદાયના યુવાઓ ચંદ્રશેખરને પાતાના આદર્શ માને છે.

ચંદ્રશેખરે કહ્યું કે, હું કોઈ રાજકીય પક્ષનું સમર્થન નથી ઈચ્છતો, મારો જન્મ બહુજન સમાજમાં થયો છે, અને હું જ મરીશ. હું માત્ર બહુજન સમાજની રાજનીતિ ઈચ્છું છું. આ ચૂંટણીમાં મારો ધ્યેય માત્ર વડાપ્રધાન મોદીને હરાવવાનો જ છે.

આ પહેલા એક વિડિયોમાં રાવણે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પર સીધુ નિશાન સાધતા કહ્યું હતું કે, દેવબંધમાં મારી પદયાત્રા તેમની ઈશારે જ રોકવામાં આવી હતી. અમારી પાસે પદયાત્રાની મંજૂરી હોવા છતાં પ્રશાસન અને સરકાર આ વાત અંગે જૂઠાણું ફેલાવી રહી છે. રાવણે કહ્યું કે, 15 માર્ચે દિલ્હીમાં બહુજન હુંકાર રેલી યોજાશે, જેમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લેશે.

તમને જણાવી દઈએ કે, ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર રાવણને પોલીસે મંગળવારે દેવબંધમાં આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવાના આરોપ હેઠળ અટકાયત કરી હતી. ત્યાર બાદ તેમની હાલત ખરાબ થતાં તેમને મેરઠ સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં.