રાફેલને લઈને ફરી એકવખત સુપ્રીમ કોર્ટ પહોંચી કેન્દ્ર સરકાર,સુધારાની માગ…

નવી દિલ્હી– રાફેલ ડીલ પર સુપ્રીમ કોર્ટના ચૂકાદો અને ત્યાર બાદ શરું થયેલા રાજકીય ઘમાસાણ વચ્ચે કેન્દ્ર સરકારે ફરી એક વખત સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. કેન્દ્ર સરકારે એક અરજી દાખલ કરી રાફેલ ડીલ પર સુપ્રીમે આપેલા ચુકાદામાં એક તથ્યાત્મક સુધારાની માગ કરી છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના એ નિર્ણયમાં સુધારો કરવાની માંગ કરી છે, જેમાં કેગ અહેવાલ અને સંસદની જાહેર હિસાબ સમિતિ (પી.એ.સી.)નો સમાવેશ થાય છે.

સૂત્રના જણાવ્યા અનુસાર કોર્ટને માહિતગાર કરવા માટે અરજી દાખલ કરવામાં આવી છે કે, સીએજી અને પી.એ.સી. સાથે સીલ કરેલા દસ્તાવેજો મુદ્દે અલગ અલગ રીતે અર્થઘટન કરવામાં આવી રહ્યાં છે. તમને જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટે શુક્રવારે તેના નિર્ણયમાં જણાવ્યું હતું કે, કેગના રિપોર્ટ સાથે કિંમતની વિગતો શેર કરવામાં આવી હતી અને કેગના અહેવાલને પીએસીએ ધ્યાનમાં લીધા હતાં.

કેગ અને પીએસીના મુદ્દા અંગે મુખ્ય અદાલતના નિર્ણયના પેરેગ્રાફ 25માં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નિર્ણયમાં કહેવામાં આવ્યું હતું કે, ફ્રાંસ પાસેથી 36 રાફેલ લડાકુ વિમાનની ખરીદીમાં કોઈ પણ પ્રકારની અનિમિયતતા નથી થઈ. શુક્રવારે સુપ્રીમ કોર્ટના ચૂકાદા બાદ કોંગ્રેસ નેતા અને પીએસીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, તેમની સામે આ પ્રકારના કોઈ પણ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા નથી.