મોદી સરકારનું મોટું પગલું, અલગતાવાદી મલિકના સંગઠન JKLF પર પ્રતિબંધ

નવી દિલ્હી- કેન્દ્ર સરકારે અલગતાવાદીઓ વિરુદ્ધ કડક પગલું ભરતાં યાસિન મલિકના સંગઠન JKLF પર પ્રતિબંધ લગાવી દીધો છે. આતંક વિરોધી કાયદા હેઠળ જમ્મુ-કશ્મીર લિબરેશન ફ્રંટ (JKLF) સામે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કશ્મીરના અલગતાવાદી નેતા યાસિન મલિક ભારતમાં પાકિસ્તાનનો ચહેરો છે, જે કશ્મીરમાં અલગાવ અને આતંક ફેલાવવા માટે પાકના ઈશારે કામ કરે છે.

કેન્દ્રીય ગૃહ સચિવ રાજીવ ગાબાએ જણાવ્યું કે, સરકારે આજે ગેરકાયદે ગતિવિધિ અધિનિયમ 1967 હેઠળ જેકેએલએફને ગેરકાયદે એસોસિએસન જાહેર કર્યું છે. આ પગલું સરકારે આતંકવાદ વિરુદ્ધ જીરો ટોલરેન્સની નીતિ હેઠળ ભર્યું છે.

ગૃહ સચિવે વધુમાં કહ્યું કે, આ સંગઠન ખીણમાં 1988થી હિંસામાં સંડોવાયેલું છે. જમ્મુ-કશ્મીર પોલીસ દ્વારા JKLF સામે 37 એફઆઈઆર દાખલ કરી છે. સીબીઆઈએ પણ બે કેસ દાખલ કર્યાં છે જેમાં એક IAF જવાનની હત્યાનો મામલો પણ સામેલ છે. યાસિનનું સંગઠન કશ્મીરમાં પથ્થરમારો કરનારા લોકોને પૈસા પુરા પાડે છે. યાસીન મલિક વિદેશમાંથી પણ ફંડિગ પ્રાપ્ત કરે છે અને પથ્થરમારો કરનારા યુવકોને ભડકાવે છે.

યાસીન મલિકની ગણત્રી તે અલગતાવાદી નેતાઓમાં થાય છે , જે ખીણમાં ભારત વિરોધી ગતિવિધિઓને ભડકાવતો હતો. ખીણમાં ત્રિરંગા વિરુદ્ધ ભડકામણાં કાર્યક્રમો કરતો હતો. નિષ્ણાતોનું કહેવું છે કે, મલિક જેવા નેતાઓ પર પહેલાં જ પ્રતિબંધ લાગી જવો જોઇતો હતો. પરંતુ આ ખૂબ જ મોડી કાર્યવાહી છે.

ઉલ્લેખનીય છે કે, ગત 28 ફેબ્રુઆરી કેન્દ્ર સરકારે જમાત એ ઇસ્લામી (JIA) પર 5 વર્ષ માટે પ્રતિબંધ લાદી દીધો હતો. જો કે જમ્મુ કશ્મીરનાં રાજનીતિક દળ તેના પર પ્રતિબંધ લગાવવાની માગ સતત કરી રહ્યું છે. ગૃહમંત્રાલયની કાર્યવાહીમાં જેઇઆઇના પ્રમુખ હામિદ ફૈયાઝ સહિત 350 થી વધારે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. કેન્દ્રનાં આદેશ બાદ અલગતાવાદી સંગઠનો અને તેના નેતાઓ પર કાર્યવાહી કરતા તેમની સંપત્તિઓ ટાંચમાં લેવાઇ હતી અથવા તો સીલ કરી દેવાઇ હતી.