CBSE બોર્ડનો નિર્ણયઃ બે વિષયની પરીક્ષા ફરીથી લેવાશે

નવી દિલ્હી- ધોરણ 10 અને 12ની ચાલુ વર્ષે લેવાયેલી પરીક્ષાનું ધોરણ- 12નું અર્થશાસ્ત્ર તેમજ ધોરણ- 10નું ગણિતનું પેપર ફરીથી લેવામાં આવશે તેવી સત્તાવાર જાહેરાત સીબીએસઈ બોર્ડ દ્વારા કરવામાં આવી છે. જો કે આ બંન્ને પરીક્ષા ક્યારે લેવાશે તે અંગે કોઈ તારીખની જાહેરાત કરવામાં આવી નથી.

સીબીએસઈની આ વર્ષની કેટલીક પરીક્ષાઓના પેપર ફૂટી ગયાની ચર્ચા છેડાઈ હતી અને કેટલીક ઘટનામાં પોલીસે તપાસ પણ શરૂ કરી છે. ધોરણ-12ના અર્થશાસ્ત્રની 27 માર્ચે અને ધોરણ-10ની ગણિતની પરીક્ષા 28 માર્ચ એટલે કે આજે યોજાઈ હતી, આ બંને પરીક્ષાઓમાં 28,24,734 વિદ્યાર્થીઓ બેઠા હતાં. સીબીએસઈના જણાવ્યા અનુસાર આ વર્ષની ધોરણ-10ની પરીક્ષા માટે 16,38,428 અને ધોરણ-12 પરીક્ષા માટે 11,86,306 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ ગણિત અને અર્થશાસ્ત્રનું પેપર લીક થવાની ઘટના પ્રકાશમાં આવતાં જ સીબીએસઈ બોર્ડે ધોરણ-10માં ગણિત અને ધોરણ-12માં અર્થશાસ્ત્રના વિષયની પરીક્ષા ફરીથી લેવાનો સત્તાવાર નિર્ણય કર્યો છે. નવી પરીક્ષા કયારે લેવાશે સીબીએસઈ એક સપ્તાહમાં જાહેર કરશે.