CBI vs CBI: આલોક વર્માને ક્લીન ચિટ નહીં, વધુ તપાસની જરુર: SC

નવી દિલ્હી- સુપ્રીમ કોર્ટે CBI ડિરેક્ટર આલોક વર્મા સામે લગાવવામાં આવેલા આરોપ કેસમાં કેન્દ્રીય સતર્કતા આયોગના તપાસ રિપોર્ટ વિશે આજે સુનાવણી કરી છે. કોર્ટે તપાસ રિપોર્ટને સિલબંધ કવરમાં આલોક વર્માને સોંપવાનો આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશથી CVCએ આલોક વર્મા પર લગાવવામાં આવેલા આરોપોનો તપાસ રિપોર્ટ સુપ્રીમ કોર્ટને સોંપ્યો હતો. સુપ્રીમ કોર્ટે હવે વધુ સુનાવણી 20 નવેમ્બરે હાથ ધરશે.CBIના ટોચના બે અધિકારીઓ વચ્ચે ચાલી રહેલી લડાઈમાં સરકારને હસ્તક્ષેપ કરવો પડ્યો છે. સરકારે બંને અધિકારીઓને મામલાની તપાસ પૂરી ન થાય ત્યાં સુધી રજા પર મોકલી દીધાં છે. વિપક્ષે સરકાર પર આરોપ લગાવ્યો કે, CBI ચીફ આલોક વર્મા રાફેલ ડીલની તપાસ કરી રહ્યાં હતા તેથી તેમને હટાવવામાં આવ્યા છે. જો કે સરકારનો દાવો છે કે, CVCની ભલામણ પર આ પગલું ઉઠાવાયું છે.

CBIમાં રાકેશ અસ્થાના મોઈન કુરેશી સાથે જોડાયેલા કેસની તપાસ કરી રહ્યાં હતાં. આ તપાસ દરમિયાન હૈદરાબાદના સતીશ બાબૂ પણ ઘેરાયા હતા. એજન્સી રુપિયા 50 લાખના ટ્રાન્ઝેક્શન કેસમાં તેમના વિરુદ્ધ તપાસ કરી રહી હતી. ગત સુનાવણી દરમિયાન CVCએ કોર્ટને 2 સીલબંધ કવરમાં તેમનો રિપોર્ટ સોંપ્યો હતો. ત્યારપછી સુપ્રીમ કોર્ટે સુનાવણીની આગામી તારીખ આપી દીધી હતી.

CVC તરફથી કોર્ટને જે રિપોર્ટ આપવામાં આવ્યો છે તેમાં કેસનો તપાસ રિપોર્ટ અને નાગેશ્વર દ્વારા લેવામાં આવેલા નિર્ણયોનું લિસ્ટ આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, રજા પર મોકલવામાં આવેલા ડિરેક્ટર આલોક વર્મા અને સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાના CVC સામે રજૂ થઈ ચૂક્યા છે.

CVCએ આલોક વર્મા વિશે જે પણ તપાસ કરી છે તે વિશે રિપોર્ટ સુપ્રીમ કોર્ટને સોંપી દેવામાં આવ્યો છે. CBIની આ તપાસ કમિટીની આગેવાની સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ એ.કે. પટનાયકે કરી હતી.