અગસ્ટા વેસ્ટલેન્ડ કેસ: CBIએ મિશેલની વકીલ રોઝમેરીની વિશ્વસનીયતા પર ઉઠાવ્યાં સવાલો

નવી દિલ્હી- અગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર મામલે દલાલી લેવાના મામલે દુબઈથી ભારત લવાયેલા આરોપી ક્રિશ્ચિયન મિશેલને આજે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. સુનાવણી દરમિયાન સીબીઆઈએ મિશેલના 5 દિવસના રિમાન્ડની માગ કરી છે.

અગસ્તા વેસ્ટલેન્ડ કેસમાં મિશેલની વકીલ રોઝમેરી પેટ્રિજીએ પટિયાલા હાઉસ કોર્ટમાં મિશેલનો પક્ષ રજૂ કર્યો હતો. ક્રિશ્ચિયન મિશેલની વકીલ રોઝમેરી પેટ્રિજીએ કોર્ટને કહ્યું કે, તે છેલ્લાં 5 વર્ષથી મિશેલનું પ્રતિનિધિત્વ કરી રહી છે, અને ઈટાલી અને સ્વિટ્ઝરલેન્ડમાં પણ તેમણે મિશેલનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

ત્યારબાદ કોર્ટે તેમને 10 મિનિટ સુધી મિશેલ સાથે વાતચીત કરવાની મંજૂરી આપી હતી. આ દરમિયાન સીબીઆઈએ મિશેલની વકીલની વિશ્વસનીયતા પર સવાલો ઉઠાવ્યા હતાં. આ સાથે જ સીબીઆઈએ અન્ય દસ્તાવેજો અને સાક્ષીઓ સાથે મિશેલને પૂછપરછ કરવાની માગ કરી છે. જોકે, પેટ્રિજીએ કોર્ટના આદેશ બાદ જ મિશેલ સાથે મુલાકાત કરી હતી.