ICICI બેન્ક-વિડિયોકોન લોન કેસમાં ચંદા કોચર સામે સીબીઆઈએ નોંધી FIR

મુંબઈ – કેન્દ્રીય તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્ટેલિજન્સ (સીબીઆઈ)ના અમલદારોએ કહેવાતા ICICI બેન્ક-વિડિયોકોન લોન કેસમાં ICICI બેન્કનાં ભૂતપૂર્વ મેનેજિંગ ડાયરેક્ટર, સીઈઓ, એમનાં પતિ દીપક કોચર, વિડિયોકોન ગ્રુપના મેનેજિંગ ડાયરેક્ટર વી.એન. ધુત તથા અન્યો સામે આજે એફઆઈઆર નોંધી છે. આ કેસમાં એમને આરોપી તરીકે દર્શાવ્યા છે.

ICICI બેન્ક-વિડિયોકોન લોન કેસમાં રૂ. 3,250 કરોડની ગેરરીતિઓ થયાનો આરોપ છે.

ચંદા કોચર અને એમનાં પતિ દીપક કોચર

વિડિયોકોન ગ્રુપે 2012માં ICICI બેન્ક પાસેથી રૂ. 3,250 કરોડની લોન મેળવ્યાના અમુક જ મહિનાઓમાં વિડિયોકોનના પ્રમોટર વેણુગોપાલ ધુતે દીપક કોચરના સહયોગમાં સ્થપાયેલી ન્યુપાવર કંપનીમાં કરોડો રૂપિયા ઈન્વેસ્ટ કર્યા હોવાનું કહેવાય છે.

 

વેણુગોપાલ ધુત

‘સેબી’ સંસ્થાએ અગાઉ પ્રાથમિક સ્તરે યોજેલી તપાસ મુજબ, દીપક કોચરે અગાઉ અનેક વર્ષો સુધી વિડિયોકોન ગ્રુપ સાથે ઘણા બિઝનેસ સોદાઓ કર્યા હતા. તે ઉપરાંત દીપક અને વિડિયોકોનના વડા વેણુગોપાલ ધુત ન્યુપાવર રીન્યૂએબલ્સનાં સહ-સ્થાપક તથા પ્રમોટર હતા.

સીબીઆઈના અમલદારોએ આજે ચંદા કોચર, દીપક કોચરને સાંકળતી અનેક ઓફિસો અને પ્રોપર્ટીઝ ખાતે દરોડા પણ પાડ્યા છે.