CBI કેસ પર CJIએ કહ્યું, 2 સપ્તાહમાં તપાસ પૂરી કરે CVC

નવી દિલ્હી- સુપ્રીમ કોર્ટમાં CBI ચીફ આલોક વર્માની અરજી ઉપર સુનાવણી શરુ થઈ ગઈ છે. આલોક વર્માને રજા પર મોકલી દેવામાં આવ્યા હોવાથી અને તેમની પાસેથી તમામ અધિકારો લઈ લેવાના કેન્દ્ર સરકારના નિર્ણયને તેમણે કોર્ટમાં પડકાર્યો છે.CJI રંજન ગોગોઈએ કહ્યું કે, તેઓ આ કેસ પર નજર રાખી રહ્યાં છે. તેમણે CVC તેમની તપાસ બે અઠવાડિયામાં પૂરી કરવા કહ્યું છે. આ તપાસ સુપ્રીમ કોર્ટના જજની દેખરેખમાં થશે.

આલોક વર્મા તરફથી એફ.એસ. નરીમન દલીલ કરી રહ્યાં છે. તેમણે તેમની દલીલમાં 2 વર્ષના કાર્યકાળનો ઉલ્લેખ કર્યો છે. નરીમને સુપ્રીમ કોર્ટને કહ્યું કે, દિલ્હી સ્પેશિયલ પોલીસ ઈસ્ટેબલિશમેન્ટ એક્ટ લાગુ થવો જોઈએ.

રાકેશ અસ્થાના તરફથી પણ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. તેમણે આલોક વર્માને CBIના ડિરેક્ટર પદેથી હટાવવા માગણી કરી છે. અરજીમાં રાકેશ અસ્થાનાએ કહ્યું છે કે, તેમને ખોટી રીતે ટાર્ગેટ કરવામાં આવ્યા છે.

આ પહેલાં ગુરુવારે CBIએ આ કેસમાં સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું છે કે, આલોક વર્મા અત્યારે પણ CBI ડિરેક્ટર છે અને રાકેશ અસ્થાના એડિશનલ ડિરેક્ટર છે. તે ઓફિસર્સને હટાવવામાં આવ્યા નથી. તેમને માત્ર તપાસથી અલગ રાખવા માટે રજા પર મોકલવામાં આવ્યા છે.