સરકારનો દાવો: એક સપ્તાહમાં રોકડની અછત સંપૂર્ણ દૂર થઈ જશે

0
2578

નવી દિલ્હી- છેલ્લા કેટલાંક દિવસોથી દેશના અનેક શહેરોના લોકોને વિવિધ બેન્કોના ATMમાં કેશ નહીં હોવાની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક જગ્યાઓ ઉપર ATMની બહાર લાંબી લાઈનો પણ જોવા મળી હતી. માનવામાં આવી રહ્યું છે કે, FRDI ફાઈનાન્શિયલ રિઝોલ્યૂશન એન્ડ ડિપોઝીટ ઈન્શ્યોરન્સ બિલને લઈને લોકોમાં આશંકાને પગલે મોટી કરન્સીનો (500 અને 2000) સંગ્રહ વધવાને કારણે બજારમાં અછતની સ્થિતિ સર્જાઈ છે.બીજી તરફ સરકારે પણ નાણાંની અછતને દૂર કરવા સપ્લાઈ અને નવી નોટોના છાપવા પર વધુ ભાર મુક્યો છે. નાણામંત્રાલયના પ્રમુખ આર્થિક સલાહકારે દાવો કર્યો છેકે, આગામી એક સપ્તાહમાં સ્થિતિ સામાન્ય થઈ જશે. ઓલ ઈન્ડિયા બેન્ક ઓફિસર્સ કન્ફેડરેશનના દિલ્હી ક્ષેત્રના પ્રમુખે પણ જણાવ્યું કે, વધુમાં વધુ 7થી 10 દિવસમાં સ્થિતિ નિયંત્રણમાં આવી જશે.

એક ટીવી ચેનલ સાથેની મુલાકાતમાં નાણામંત્રાલયના પ્રમુખ આર્થિક સલાહકારે જણાવ્યું કે, હાલના સમયમાં બજારમાં રોકડને લઈને તંગી ઉભી થઈ છે, તે સમજમાં આવી શકે તેમ નથી. કારણકે, RBI પાસે નાણાંની કોઈ જ અછત નથી. નાણામંત્રાલયના પ્રમુખ આર્થિક સલાહકાર સંજીવ સાન્યાલના જણાવ્યા પ્રમાણે સરકાર એ વાતની તપાસ કરાવી રહી છે કે, કોઈપણ વિશેષ કારણ વગર અચાનક રોકડની માગ આટલી કેમ વધી ગઈ?

વધુમાં સાન્યાલે કહ્યું કે, આ ઘટનાની શરુઆત કર્ણાટકથી થઈ બાદમાં તેલંગાણા અને દેશના અન્ય કેટલાક ભાગમાં પણ પૈસાની અછત ઉભી થઈ. ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં આગામી મહિને વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેથી પૈસાની કૃત્રિમ તંગી પાછળ ષડયંત્ર હોવાનું પણ નકારી શકાય નહીં.