ખરીફ પાક માટે ટેકાના ભાવોમાં વધારાને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, આ પાકોમાં વધ્યાં ભાવ

નવી દિલ્હી-2019ના સામાન્ય ચૂંટણીઓ આવે તે પહેલાં બજેટમાં કરાયેલી ઘોષણા પર અમલવારી કરતાં મોદી સરકારે ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય જાહેર કર્યો છે.કેબિનેટની બેઠકમાં દેશના ખેડૂતોના હિતમાં નિર્ણય લેતાં ખરીફ પાકના લધુત્તમ મૂલ્યમાં ભારે વધારો કરતાં તેમાં દોઢગણો વધારો કરવામાં આવ્યો છે. પાકનો યોગ્ય ભાવ નહીં મળતાં પરેશાન ખેડૂતોને મોદી સરકારે ભેટ આપી છે.

નીતિ આયોગે પણ થોડા દિવસો પહેલાં કહ્યું હતું કે, ખેતપેદાશોના ટેકાના ભાવ વધારવા અંગે નવી ફોર્મ્યૂલા પર સરકાર વિચારી રહી છે અને આજે કેબિનેટમાં આખરે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

ટેકાના ભાવવધારાથી આ પાકોમાં થશે ફાયદો

અનાજ 1750 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ

જુવાર 1619  રૂપિયા પ્રતિ ક્વિન્ટલ

મકાઈ 1700  રૂપિયા પ્રતિ ક્વિન્ટલ

કપાસ 5150  રૂપિયા પ્રતિ ક્વિન્ટલ

સૂરજમુખી બીજ 5388  રૂપિયા પ્રતિ ક્વિન્ટલ

સોયાબીન 3399  રૂપિયા પ્રતિ ક્વિન્ટલ

તલ 6249  રૂપિયા પ્રતિ ક્વિન્ટલ

 

સરકારે ખરીફ પાકના ભાવમાં વધારો કરવા નવી ફોર્મ્યૂલા A2+FL તૈયાર કરી છે, જેને આજે કેબિનેટની બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે. મોદી સરકારે શાસન હાથમાં લીધું પછી દર વર્ષે અનાજના ભાવમાં વધારો કર્યો છે. પહેલાં બે વર્ષમાં 50 રુપિયા, ત્રીજા વર્ષે 60 રુપિયા, ગયા વર્ષે 80 રુપિયા અને આ વર્ષે દોઢ ગણો વધારો કર્યો છે.

આ વધારાથી સરકાર પર 15,000 કરોડ રુપિયાનું ભારણ પડશે. આ ભાવવૃદ્ધિને વડાપ્રધાન મોદીએ ઐતિહાસિક ગણાવી હતી. કુલ 15 પાકમાં ભાવવધારો થયો છે તેમાં સૌથી વધુ રાગીમાં એમએસપી 2900થી વધારીને 2,897 રુપિયા કરવામાં આવ્યો છે. મગમાં પ્રતિ ક્વિન્ટલ 6975 રુપિયા, અડદમાં પ્રતિ ક્વિન્ટલ 5600 રુપિયા, બાજરી પ્રતિ ક્વિન્ટલ 1950 રુપિયા કરવામાં આવ્યાં છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેબિનેટના આ નિર્ણય સંદર્ભે ટ્વીટ કરી પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.