રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલને ‘બજેટ ફળ્યું’

0
3716

નવી દિલ્હી- લોકસભાની ચૂંટણી પહેલાં મોદી સરકારના છેલ્લા પૂર્ણ બજેટમાં કેન્દ્રીય નાણાંપ્રધાન અરુણ જેટલીએ દેશના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલનો પગાર વધારવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.ભારતના રાષ્ટ્રપતિના વર્તમાન પગારમાં વધારો કરીને તેને 5 લાખ રુપિયા પ્રતિ મહિના કરવામાં આવશે. સાથે જ ઉપરાષ્ટ્રપતિનો પગાર રુપિયા 4 લાખ પ્રતિ મહિના અને રાજ્યપાલોનો પગાર 3.5 લાખ રુપિયા પ્રતિ મહિના કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.

આપને જણાવી દઈએ કે, રાષ્ટ્રપતિના પગારમાં આ વધારો આશરે 200 ટકા જેટલો કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિના પગારમાં છેલ્લે વર્ષ 2008માં વધારો કરવામાં આવ્યો હતો. એ સમયે રાષ્ટ્રપતિનો પગાર રુપિયા 50 હજારથી વધારીને 1.5 લાખ પ્રતિ મહિના કરવામાં આવ્યો હતો. ઉપરાંત નાણાંપ્રધાને વડાપ્રધાનના પગારમાં પણ વધારો કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

સાંસદોના પગારમાં સંશોધનને લઈને નાણાંપ્રધાન અરુણ જેટલીએ કહ્યું કે, સાંસદોના પગારમાં કેટલો વધારો કરવો એ મોંઘવારી ઈન્ડેક્સના આધારે દર પાંચ વર્ષે નક્કી કરવામાં આવશે. જે 1 એપ્રિલ 2018થી લાગુ કરવામાં આવશે.

મહત્વનું છે કે, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલના પગારમાં વધારો કરવાનો નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે સાતમા પગારપંચની ભલામણ બાદ કેબિનેટના સેક્રેટરીનો પગાર રાષ્ટ્રપતિના પગાર કરતાં વધારે થઈ ગયો હતો.