લોકસભા ચૂંટણી 2019: ભાજપની ત્રીજી યાદી જાહેર, પુરીથી લડશે સંબિત પાત્રા

નવી દિલ્હી- ભાજપે લોકસભા ચૂંટણીને લઈને 36 ઉમેદવારો સાથેની ત્રીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં આંધ્રપ્રદેશ માટે 23 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યાં છે, જ્યાં પ્રથમ તબક્કાનું મતદાન 11 એપ્રિલે યોજાશે. આ ઉપરાંત મહારાષ્ટ્રની 6, ઓડિશાની 5, મેઘાલયની 1 અને અસમની 1 સીટ પર ઉમેદવાર જાહેર કરાયો છે.

આ યાદીમાં સૌથી ચર્ચીત નામ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાનું છે. જે ઓડિશાની પુરી બેઠક પરથી ચૂંટણી લડશે. તેના પરથી સ્પષ્ટ થઇ ગયું કે હવે પીએમ મોદી પુરી સીટ પરથી ચૂંટણી લડશે નહીં. કારણ કે અત્યાર સુધી ચર્ચા હતી કે પીએમ મોદી વારાણસી સિવાય પૂરીથી પણ ચૂંટણી લડી શકે છે.

ભાજપે અત્યાર સુધીમાં કુલ 221 ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. બીજેપીની જાહેર કરાયેલા ઉમેદવારોમાં કેટલાક કદાવર નેતાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ રાવસાહબ દાનવે જાલાનાથી ચૂંટણી લડશે. કેન્દ્રીય પ્રધાન કિરણ રિજ્જુ અરુણાચલ પ્રદેશ પશ્ચિમ અને જેતેન્દ્ર સિંહ ઉધમપુરથી લોકસભા ચૂંટણી લડશે. તો બીજી તરફ હેમા માલિની મથુરા, સંજીવ કુમાર બાલિયાન મુઝફ્ફરપુરથી, સર્વેશ કુમાર મુરાદાબાદથી, ડો. સત્યપાલ સિંહ બાગપતથી ચૂંટણી લડશે. સંતોષકુમાર ગંગવાર બરેલીથી અને પૂનમ મહાજન મુબંઈ-નોર્થ સેન્ટ્રલથી લોકસભા ચૂંટણી લડશે