અમિત શાહ જૈન હોવા છતાં પોતાને હિંદૂ ગણાવે છે: રાજ બબ્બર

નવી દિલ્હી- કોંગ્રેસ પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને જાતીવાદનો વધુ એક દાવ ખેલ્યો છે. કોંગ્રેસના નેતા રાજ બબ્બરે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ પર શાબ્દિક પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, અમિત શાહ જૈન છે છતાં પોતાને હિંદૂ ગણાવી રહ્યાં છે.

આપને જણાવી દઈએ કે, રાજ બબ્બરે અમિત શાહ પર આ પ્રકારની જાતિ આધારિત પ્રતિક્રિયા રાહુલ ગાંધીના સોમનાથ પ્રવાસ બાદ કરી છે. જેમાં રાહુલ ગાંધીએ તેમનું નામ બિનહિન્દૂ રજીસ્ટરમાં નોંધાવ્યું હોવાની વાત સામે આવ્યા બાદ આ મુદ્દાએ રાજકીય રંગ પકડ્યો છે. જેથી રાજ બબ્બરે અમિત શાહને ટાર્ગેટ કરી રાહુલ ગાંધીનો બચાવ કરવા પ્રયાસ કર્યો છે. રાજ બબ્બરે કહ્યું કે, રાહુલ ગાંધી શિવભક્ત છે અને તેમને ત્યાં ઘણાં સમયથી શિવપૂજા કરવામાં આવે છે.

આ પહેલા કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, તેમને પોતાના ધર્મને લઈને કોઈના સર્ટિફિકેટની જરુર નથી. અને તે આ અંગે કોઈ દલીલ પણ કરવા માગતા નથી. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે, ભાજપના કેટલાક કાર્યકર્તાઓએ સોમનાથ મંદિરમાં તેમનું નામ બિનહિન્દૂ રજીસ્ટરમાં નોંધાવ્યું હતું. જેનાથી આ વિવાદ સર્જાયો હતો. જોકે, મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા મુજબ રાહુલ ગાંધીના મીડિયા કોર્ડિનેટર મનોજ ત્યાગીએ જ રાહુલ ગાંધીનું નામ બિનહિન્દૂ રજીસ્ટરમાં લખ્યું હતું.