આજથી યોજાનારી BJPની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં નક્કી થશે 2019ની રુપરેખા

0
1740

નવી દિલ્હી- રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજથી ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક શરુ થશે. બે દિવસ ચાલનારી આ બેઠકમાં પ્રથમ દિવસે BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ રાષ્ટ્રીય પ્રદેશ પદાધિકારીઓ અને રાજ્યોના અધ્યક્ષ તેમજ સંગઠન મહામંત્રીઓ સાથે ચર્ચા કરશે. જેમાં ભવિષ્યનો એજન્ડા નક્કી કરવામાં આવશે. આ માહિતી પાર્ટીના પ્રવક્તા શાહનવાઝ હુસેને આપી હતી.શાહનવાઝ હુસેને જણાવ્યું કે, શનિવારે બપોરે ત્રણ વાગ્યાથી પાર્ટી રાષ્ટ્રીય કાર્યકારિણીની મુખ્ય બેઠક શરુ થશે. આ બેછકમાં પીએમ નરેન્દ્ર મોદી સહિત પાર્ટીના તમામ મોટા નેતાઓ હાજર રહેશે. આ દરમિયાન પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું ભાષણ હશે, જેમાં આગામી સમયમાં ત્રણ રાજ્યોમાં યોજાનારી ચૂંટણી અને વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી અંગે રુપરેખા તૈયાર કરવામાં આવશે. બેઠકના બીજા દિવસે પીએમ મોદી સમાપન ભાષણ આપશે.

આ બેઠકમાં કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓ અંગે ચર્ચા કરવામાં આવશે. પાર્ટી સૂત્રોના જણાવ્યા મુજબ આ બેઠકમાં દરેક રાજ્યોના અધ્યક્ષ તરફથી રાજ્યનો રિપોર્ટ કાર્ડ પણ રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત બેઠકમાં દેશમાં પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરવવામાં સરકારની ઉપલબ્ધિ, બે કરોડ ગ્રામીણ આવાસ, ઉજ્જવલા ગેસ કનેક્શન, જાહેરમાં શૌચ મુક્ત ગામ, અને ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં GDPમાં થયેલા સુધારા વધારા અંગે પણ ચર્ચા કરવામાં આવશે.