અમિત શાહના નેતૃત્વમાં 2019ની ચૂંટણી લડશે ભાજપ, કાર્યકાળ એક વર્ષ વધારાયો

નવી દિલ્હી- 2019ની લોકસભાની ચૂંટણીની તૈયારીને વધુ મજબૂત બનાવવાના હેતુસર ભારતીય જનતા પાર્ટી સંગઠનની ચૂંટણીને ટાળવાનો નિર્ણય કરી શકે છે. મળતી માહિતી મુજબ પક્ષ કોઈ પણ જોખમ લીધા વગર 2019ની સામાન્ય ચૂંટણીમાં પાર્ટીના વર્તમાન પ્રમુખ અમિત શાહના નેતૃત્વમાં જ ઉતરવા માગે છે.સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અમિત શાહની અધ્યક્ષતામાં જ ભારતીય જનતા પાર્ટી લોકસભાની આગામી ચૂંટણી લડશે. જેના માટે સંગઠનની ચૂંટણી એક વર્ષ મોકુફ રાખવામાં આવશે. આપને જણાવી દઈએ કે, અમિત શાહનો કાર્યકાળ જાન્યુઆરી 2019માં પૂરો થઈ રહ્યો છે. પાર્ટી સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સંગઠનની ચૂંટણી લોકસભાની ચૂંટણી બાદ કરવામાં આવી શકે છે. જે અંગેનો નિર્ણય કાર્યકારિણીની બેઠકમાં લેવામાં આવી શકે છે.

મહત્વનું છે કે, લોકસભાની ચૂંટણૂ આગામી વર્ષે માર્ચ અથવા એપ્રિલ મહિનામાં યોજાઈ શકે છે. જેથી ભાજપ હાલમાં નવી ટીમ સાથે ચૂંટણી મેદાનમાં ઉતરે તેમ નથી જણાઈ રહ્યું. પાર્ટીએ વર્તમાન ટીમને જ આગામી લોકસભાની ચૂંટણી સુધી જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. એક કારણ એ પણ હોઈ શકે કે, અમિત શાહ ભારતીય જનતા પાર્ટીના અત્યાર સુધીના સૌથી સફળ અધ્યક્ષ રહ્યાં છે. જેમની અધ્યક્ષતામાં પાર્ટીનો ગ્રાફ સતત વધતો રહ્યો છે.

પાર્ટીની કાર્યકારિણી બેઠકની શરુઆતમાં અમિત શાહે જણાવ્યું હતું કે, 2019ની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ બહુમતિ સાથે જીત મેળવશે કારણકે પાર્ટી પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવાં લોકપ્રિય અને સક્ષમ નેતા છે.