એક વર્ષમાં BJPની આવક 81 ટકા વધી, કોંગ્રેસની 14 ટકા ઘટી: રિપોર્ટ

નવ દિલ્હી- ગત વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની આવકમાં 81 ટકાનો વધારો નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન દેશની 7 અન્ય રાષ્ટ્રીય પાર્ટીઓની આવકમાં પણ 51 ટકાનો વધારો થયો છે. જોકે, આ જ સમય દરમિયાન કોંગ્રેસ પાર્ટીની આવકમાં ગત વર્ષની સરખામણીએ ઘટાડો થયો છે. તેમ છતાં પાર્ટીએ પોતાની આવક કરતાં વધારે ખર્ચ કરવાનું કામ કર્યું છે. એડીઆરના રીપોર્ટ અનુસાર વર્ષ 2016-17માં ભાજપની કુલ આવક રૂપિયા 1034 કરોડ નોંધાઈ છે, જ્યારે કોંગ્રેસની આવક ઘટી રૂપિયા 225 કરોડ થઈ છે.દેશની રાજકીય પાર્ટીઓ દ્વારા ચૂંટણી પંચને સોંપવામાં આવેલી રિપોર્ટ મુજબ BJPની આવક ગત એક વર્ષમાં 81 ટકા વધી છે, જ્યારે કોંગ્રેસની કમાણી 14 ટકા ઘટી છે. BJPની આવક વધવા પાછળ દેશના અનેક રાજ્યોમાં તેની સરકાર બનવાનું કારણ જવાબદાર માનવામાં આવે છે. સામે પક્ષે કોંગ્રેસને થયેલા નુકસાનનું કારણ અનેક રાજ્યોમાં તેના રાજકીય પતનને ગણવામાં આવે છે. મહત્વનું છે કે, BJP શાસિત રાજ્યોની સંખ્યા સતત વધી રહી છે, જેના કારણે પાર્ટીની કમાણી વિતેલા એક વર્ષમાં લગભગ બમણી થઈ છે.

નાણાંકીય વર્ષ 2016-17 દરમિયાન રાજકીય પાર્ટીની આવક અને ખર્ચ ઉપર ઓસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) સંસ્થાએ પોતાની રિપોર્ટ તૈયાર કરી છે. ADRના જણાવ્યા મુજબ BJP અને કોંગ્રેસ બન્ને પાર્ટીઓએ પોતાનો ઓડિટ રિપોર્ટ 30 ઓગસ્ટ 2017ની અંતિમ તારીખ પછી જમા કરાવ્યો હતો. ઉપરાંત બન્ને પાર્ટીઓએ પોતાની આવકનો મુખ્ય સોર્સ જનભાગીદારી અથવા પબ્લિક ફંડને ગણાવ્યો હતો.

ADRના રિપોર્ટમાં જણાવ્યા મુજબ વર્ષ 2016-17માં ભારતીય જનતા પાર્ટીને આશરે 1 હજાર કરોડ રુપિયાનું ફંડ મળ્યું હતું. જ્યારે આજ સમયગાળા દરમિયાન કોંગ્રેસને લગભગ 50 કરોડ રુપિયા ફંડ પેટે મળ્યાં હતાં. ઉપરાંત વિવિધ પ્રકારના કૂપનના માધ્યમથી કોંગ્રેસ પાર્ટીને આશરે 116 કરોડ રુપિયાની આવક થઈ હોવાનું જણાવવામાં આવ્યું છે.