અવિશ્વાસ પ્રસ્તાવ: વિપક્ષને શાહનો પડકાર, કહ્યું અમે કોઈ પણ ચર્ચા માટે તૈયાર

0
2050

નવી દિલ્હી- ગુવાહાટીમાં યોજાયેલા બૂથ અધ્યક્ષ સમ્મેલનમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, બૂથ અધ્યક્ષથી પાર્ટી અધ્યક્ષ બનવાની ઘટના માત્ર ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય બની શકે છે. સાથે જ તેમણે 2019ની લોકસભા ચૂંટણીમાં દેશના ઉત્તર-પૂર્વના રાજ્યોમાંથી મોટા પ્રમાણમાં બેઠક જીતવા પણ કાર્યકરોને આહ્વાન કર્યું હતું. અમિત શાહે કેન્દ્ર સરકાર સામેના અવિશ્વાસ પ્રસ્તાવને લઈને વિપક્ષોને પડકાર ફેંક્યો અને જણાવ્યું કે, અમે કોઈ પણ ચર્ચા માટે તૈયાર છીએ.ગુવાહાટીમાં કાર્યકર્તાઓને સંબોધન કરવા દરમિયાન અમિત શાહે જણાવ્યું કે, દેશની સંસદને ચલાવવા માટે કરોડો રુપિયાનો ખર્ચ થાય છે. અને મારે ઘણા ખેદ સાથે જણાવવું પડે છે કે, ગત 20 દિવસથી વિપક્ષ સંસદની કાર્યવાહીમાં ગતિરોધ ઉભો કરી રહી છે. વધુમાં અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી નથી ઈચ્છતી કે, સંસદની કાર્યવાહી વ્યવસ્થિત રીતે ચાલે, જેથી તે હોબાળો કરી અને કાર્યવાહી પ્રભાવિત કરે છે.

અમિત શાહે વિપક્ષને સંસદમાં મોદી સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવા અંગે પણ પડકાર કર્યો હતો. અમિત શાહે કહ્યું કે, વિપક્ષ ભલે અવિશ્વાસ પ્રસ્તાવ લઈને આવે. અમારી સરકાર તેનો સામનો કરશે. વધુમાં શાહે જણાવ્યું કે, અમારી સરકાર પાસે સ્પષ્ટ બહુમતી છે. ઉપરાંત અમે કોઈ પણ મુદ્દે ચર્ચા કરવા તૈયાર છીએ.