બિહાર: મુઝફ્ફરપુર શેલ્ટર હોમ પહોંચી CBIની ટીમ, તપાસની તૈયારીઓ શરુ

મુઝફ્ફરપુર- બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના શેલ્ટર હોમમાં નિર્દોષ બાળકીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ થઈ હતી. ત્યાં CBIની ટીમ તપાસ માટે પહોંચી ગઈ છે. CBIની ટીમ શેલ્ટર હોમમાં પુરાવાઓ તપાસવા ખોદકામ કરવા તૈયારી કરી રહી છે. જેના માટે જેસીબી મશીન પણ ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા છે. સુરક્ષા જાળવવા શેલ્ટર હોમની અંદર મોટી સંખ્યામાં પોલીસ પણ હાજર છે.આ ઉપરાંત તપાસ માટે CBI ટીમે સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના નિષ્ણાંતોની એક ટીમ પણ બોલાવી છે. ફોરેન્સિક નિષ્ણાંતોને બોલાવવાનો હેતુ શેલ્ટર હોમના રુમની તપાસ કરવા અને આરોપીઓ સામેના પુરાવા એકત્ર કરવાનો છે. આપને જણાવી દઈએ કે, આ કેસમાં અત્યાર સુધીમાં 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આ કેસ ત્યારે વધુ પ્રકાશમાં આવ્યો જ્યારે શેલ્ટર હોમની બાળાઓનો તબીબી રિપોર્ટ સામે આવ્યો જેમાં જાણવા મળ્યું હતું કે, શેલ્ટર હોમમાં રહેતી 42 માંથી 34 કન્યાઓ સાથે દુષ્કર્મ આચરવમાં આવ્યું હતું. જે અંગે 30 જુલાઈએ બિહાર સરકારે ઘટનાની તપાસ CBIને સોંપી હતી.

આપને જણાવી દઈએ કે, મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કાંડ સામે આવ્યા બાદ સતત વિરોધ અને આલોચનાઓનો સામનો કરી રહેલા સામાજિક કલ્યાણ પ્રધાન મંજુ વર્માએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. મંજુ વર્માએ એવા સમયે રાજીનામુ આપ્યું છે જ્યારે મુઝફ્ફરપુર કાંડના મુખ્ય આરોપી બ્રજેશ ઠાકુરે સામાજિક કલ્યાણ પ્રધાનના પતિ સાથે પોતાની નજીકની મુલાકાત હોવાની વાતની કબૂલાત કરી હતી.