છત્તીસગઢના નવા મુખ્ય પ્રધાન તરીકે કોંગ્રેસે પસંદ કર્યા ભૂપેશ બઘેલને

રાયપુર – કોંગ્રેસ પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીના હાથમાંથી હાલની જ વિધાનસભા ચૂંટણીમાં જ્યાં સત્તા કબજે કરી છે તે છત્તીસગઢ રાજ્યના નવા મુખ્ય પ્રધાન તરીકે ભૂપેશ બઘેલને પસંદ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના નવા ચૂંટાયેલા વિધાનસભ્યોએ આજે અહીં મળેલી બેઠકમાં બઘેલને વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટી કાઢ્યા હતા.

બાદમાં બઘેલના નામને પક્ષપ્રમુખ રાહુલ ગાંધીએ મંજૂર પણ રાખ્યું હતું. આ સાથે જ આ રાજ્યના નવા મુખ્ય પ્રધાન કોણ બનશે એ વિશે પાંચ દિવસથી ચાલતા સસ્પેન્સનો આખરે આજે અંત આવી ગયો છે.

બઘેલ કોંગ્રેસના છત્તીસગઢ રાજ્ય એકમના પ્રમુખ છે.

બઘેલ આવતીકાલે સાંજે 6 વાગ્યે રાયપુરમાં હોદ્દાના શપથ ગ્રહણ કરશે.

90-સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસે જીત હાંસલ કરતાં આ રાજ્યમાં ભાજપના 15-વર્ષના શાસનનો અંત આવી ગયો છે.

મુખ્ય પ્રધાન પદની રેસમાં બઘેલ ઉપરાંત ટી.એસ. સિંઘ દેવ, ટી. સાહુ અને ચરણદાસ મહંત હતા. રાહુલ ગાંધીએ ગઈ કાલે દિલ્હીમાં પોતાના નિવાસસ્થાને આ ચારેય નેતાઓ સાથે લંબાણપૂર્વકની ચર્ચા કરી હતી. રાહુલની સાથે પાર્ટીના કેન્દ્રીય નિરીક્ષક મલ્લિકાર્જુન ખાડગે, છત્તીસગઢ માટે કોંગ્રેસના પ્રભારી પી.એલ. પુનીયા, યૂપીએનાં અધ્યક્ષા સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી-વાડ્રા પણ ઉપસ્થિત રહ્યાં હોવાનું મનાય છે.

ભૂપેશ બઘેલ છત્તીસગઢના દુર્ગ જિલ્લાના પાટન મતવિસ્તારમાંથી ચૂંટાઈ આવ્યા છે. એ 2014ની સાલથી છત્તીસગઢ કોંગ્રેસ એકમના પ્રમુખ છે. એ રાજ્યના ભૂૂતપૂર્વ પ્રધાન છે. નકલી વિડિયોના એક કેસમાં સીબીઆઈએ તપાસ કર્યા બાદ બઘેલની ધરપકડ કરવામાં આવી હતી. એ હાલ જામીન પર છૂટેલા છે. એમની સામે અનેક ક્રિમિનલ કેસો નોંધાયેલા છે, પરંતુ બઘેલનું કહેવું છે કે એ બધા રાજકીય દ્વેષપ્રેરિત છે.