અનામતના વિરોધમાં આજે ભારત બંધ, પોલીસ અને તંત્ર સતર્ક

0
2103

નવી દિલ્હી- અનામતના વિરોધમાં આજે ભારત બંધની અપીલની દેશમાં અસર જોવા મળી રહી છે. મળતી માહિતી મુજબ બિહારના આરામાં પ્રદર્શનકારીઓએ ટ્રેન અટકાવી છે. આ પહેલાં ગત 2 એપ્રિલના રોજ દલિત સમુદાયે સુપ્રીમ કોર્ટના નિર્ણયની વિરુદ્ધ ભારત બંધનું એલાન આપ્યું હતું. જે હિંસક રહ્યું હતું. આ દરમ્યાન મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં થયેલી હિંસામાં આશરે 17 લોકોના મોત થયા હતા. જેમાં મધ્યપ્રદેશમાં સૌથી વધુ 7 લોકોના મોત થયા હતા.આજે પણ બંધ દરમિયાન હિંસાની આશંકાને જોતા ગૃહ મંત્રાલયે પહેલાં જ એલર્ટ જાહેર કરી દીધું છે. ગૃહમંત્રાલયે સ્પષ્ટ જણાવ્યું છે કે, ક્યાંય પણ સ્થિતિ નિયંત્રણ બહાર થશે તો જે તે વિસ્તારના ડિસ્ટ્રિક્ટ મેજીસ્ટ્રેટ અને પોલીસ ઓફિસરની જવાબદારી ગણાશે.

મધ્યપ્રદેશમાં ગત વખતની હિંસાને ધ્યાનમાં રાખીને આ વખતે પોલીસ વધુ સતર્ક છે. ગ્વાલિયર અને ભિંડ જિલ્લામાં કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. અહીં સ્કૂલ-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. ઉપરાંત ઈન્ટરનેટ સેવા પણ 48 કલાક માટે સ્થગિત કરી દેવામાં આવી છે. ભોપાલમાં સુરક્ષાના ભાગરુપે ધારા 144 લાગુ કરવામાં આવી છે.