એક એવા પ્રેમલગ્ન, જેણે સીએમ યોગી,યુપી ભાજપ, પોલિસ અને કોર્ટને હલબલાવી

નવી દિલ્હી-  ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લાની ચેનપુર બેઠક પર ભાજપના ધારાસભ્ય રાજેશ મિશ્રા ઉર્ફે પપ્પૂ ભરતૌલની દીકરી સાક્ષીનો એક વીડિયો વાયરલ થયો છે. સાક્ષીએ દલિત યુવક અજિતેશ કુમાર સાથે વૈદિક હિન્દૂ રીતરિવાજ મુજબ લગ્ન કરી લીધાં છે. લગ્ન કર્યા બાદ આ યુગલે પોલીસ પાસે મદદ માગતાં વીડિયો મેસેજમાં કહ્યું છે કે, મને અને મારા પતિને મારા પિતાથી જીવનો ખતરો છે, જેથી અમને સુરક્ષા આપવામાં આવે.

આ મામલે સાક્ષીના પિતા રાજેશ મિશ્રાએ મીડિયા સાથે વાત કરી હતી તેમનું કહેવું છે કે, મારી વિરુદ્ધ મીડિયામાં જે ચાલી રહ્યું છે તે બધુ ખોટું છે. મારી દીકરી પુખ્ત છે અને તેને પોતે નિર્ણય લેવાનો અધિકાર છે. મેં કોઇને પણ જાનથી મારી નાંખવાની ધમકી આપી નથી. ના તો મારા કોઇ વ્યક્તિએ આપી છે અને ના તો મારા પરિવારના કોઇ વ્યક્તિએ આપી છે અને મારો પરિવાર પોતાના કામમાં વ્યસ્ત છે. મારી તરફથી કોઇને કોઇ ખતરો નથી.

સાક્ષીએ ત્યાર બાદ અન્ય એક વિડિયો જાહેર કર્યો, જેમાં બરેલીના વરિષ્ઠ પોલીસ અધિક્ષક પાસે મદદ માગી છે કે તેમને તેમના પિતા, ભાઈ વિક્કી અને પિતાના એક મિત્રથી જીવનું જોખમ છે. જેથી મને અને મારા પતિને સુરક્ષા આપવામાં આવે. સાક્ષીએ આરોપ લગાવ્યો કે, તમામ લોકો મળીને તેમની અને તેમના પતિની હત્યા કરવા માગે છે. સાક્ષીએ બરેલીના સાંસદ, ધારાસભ્યો અને પ્રધાનોને અપીલ કરી છે કે, તે તેમના પિતા, ભાઈ અને પિતાના સહયોગીની મદદ ન કરે.

બરેલીના ડીઆઈજી આર કે પાંડેયએ જણાવ્યું કે, સાક્ષી મિશ્રાના દલિત યુવક અજિતેશ કુમાર સાથે લગ્નની સૂચના વાયરલ વિડિયો દ્વારા મળી છે. આ મામલે બરેલીના વરિષ્ઠ પોલીસ અધિક્ષકને નિર્દેશ આપ્યા છે કે, સાક્ષી અને અજિતેશને સુરક્ષા આપવામાં આવે. પાંડેય એ કહ્યું કે, દંપતિને હજુ સુધી એ સૂચિત નથી કર્યું કે, તેઓ કઈ જગ્યા પર રોકાયાં છે, તેમની સુરક્ષા માટે પોલીસ કઈ જગ્યાએ મોકલવામાં આવે.

સાક્ષીએ વાયરલ વિડિયોના માધ્યમથી તેમના પિતાને કહ્યું છે કે, અમને શાંતિથી રહેવા દો અને તમે શાંતિથી રાજનીતિ કરો. સાક્ષીએ એવી ધમકી પણ આપી છે કે, જો મારી અને મારા પતિની હત્યા કરી દેવામાં આવી તો હું તમને પણ ફસાવી દઈશ.

આ લગ્ન કરાવનારા પુરોહિત પંડિત વિશ્વપતિ શુક્લાએ ધારાસભ્યના ડરથી એવો દાવો કર્યો હતો કે બંને જણ બે ત્રણ વકીલોને લઇને આવ્યાં હતાં અને વકીલોએ મારા પર દબાણ કર્યું હતું કે લગ્ન કરાવો. મેં છોકરીને સમજાવી હતી કે તું સુખી સંપન્ન પરિવારની પુત્રી છે. આ એક દલિત યુવાન છે. તું એની સાથે શા માટે લગ્ન કરે છે. પરંતુ એ યુવતી માની ન હતી અને વકીલોએ મને ડરાવ્યો હતો એટલે મેં લગ્ન કરાવી આપ્યાં. મને આ માટે 1100 રૂપિયા દક્ષિણા આપવામાં આવી હતી. પ્રયાગરાજ ખાતેના રામ જાનકી મંદિરમાં ચાલુ માસની 4 તારીખે આ બંનેએ લગ્ન કર્યાં હતાં.