ધૂમ્રપાન કરવાનું છોડી દોઃ કુંભ મેળામાં સાધુ-સંતોને બાબા રામદેવની અપીલ

પ્રયાગરાજ – સુપ્રસિદ્ધ યોગગુરુ બાબા રામદેવે ગઈ કાલે અહીં કુંભ મેળાની મુલાકાત લીધી હતી અને કુંભ મેળામાં સામેલ થયેલા સાધુ-સંતોને ધૂમ્રપાન કરવાનું છોડી દેવાની વિનંતી કરી હતી.

રામદેવે એમને કહ્યું હતું કે, આપણે જીવનમાં ભગવાન રામ અને ભગવાન શ્રીકૃષ્ણનું અનુસરણ કરીએ છીએ, જેમણે એમની જિંદગીમાં ક્યારેય પણ ધૂમ્રપાન કર્યું નહોતું. તો પછી આપણે શા માટે કરવું જોઈએ?

બાબા રામદેવે સાધુ-સંતોને વધુમાં કહ્યું કે ધૂમ્રપાનનો ત્યાગ કરી દેવાનો આપણે સંકલ્પ કરવો જોઈએ. આપણે સાધુઓ ઉચ્ચ હેતુ માટે આપણું ઘર, માતા અને પિતા સહિત બધું જ છોડી દીધું છે તો ધૂમ્રપાન કેમ છોડી ન શકીએ.

રામદેવે અનેક સાધુઓ પાસેથી એમની ચિલ્લમ (માટીનો બનાવેલો પાઈપ જેમાં તમાકુ ભરવામાં આવે છે) લઈ લીધા હતા અને એમને તમાકુનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી. એમણે કહ્યું કે પોતે એક મ્યુઝિયમ બનાવી રહ્યા છે અને ત્યાંના ડિસ્પ્લેમાં આ તમામ ચિલ્લમ જમા કરાવી દેશે.

રામદેવે કહ્યું કે તમાકુનાં સેવન અને ધૂમ્રપાનનો ત્યાગ કરવાનું મેં ઘણા યુવાનોને જણાવ્યું છે તો મહાત્માઓને કેમ ન જણાવું.

55 દિવસીય કુંભ મેળાનો 4 માર્ચે અંત આવશે. દુનિયામાં આ સૌથી મોટો માનવ સમૂહમેળો છે. આ વખતના કુંભ મેળામાં આશરે 13 કરોડ જેટલા લોકો ભાગ લેશે એવી ધારણા છે. પવિત્ર ગંગા નદીમાં સ્નાન કરવાથી ગરીબી દૂર થાય છે અને પોતે ભૂતકાળમાં કરેલા પાપમાંથી મુક્ત થવાય છે એવી માન્યતા સાથે લોકો કુંભ મેળા વખતે ગંગામાં સ્નાન કરવા આવે છે.