ધર્મ સંસદ પહેલાં છાવણીમાં ફેરવાયું અયોધ્યા, 70 હજાર જવાન તહેનાત

અયોધ્યા- અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે વિશ્વ હિન્દુ પરિષદ રવિવારે ધર્મસભાનું આયોજન કરી રહી છે. બીજી બાજુ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પણ શનિવારે અયોધ્યા પહોંચી રહ્યાં છે. મોટી સંખ્યામાં કાર્યકરોની હાજરીને લઇને અયોધ્યાને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે.બંને સંગઠનોના કાર્યક્રમને જોતા આગમચેતીના પગલા હેઠળ સુરક્ષાનો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. અયોધ્યાને સૈન્ય કિલ્લા ફેરવી દેવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં પોલીસ પ્રવક્તાનું કહેવું છે કે, અયોધ્યામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળાવવા માટે એક અધિક પોલીસ મહાનિર્દેશકના અધિકારી, એક નાયબ પોલીસ મહાનિરીક્ષક, ત્રણ વરિષ્ઠ પોલીસ અધિક્ષક, 10 અધિક પોલીસ અધિક્ષક, 21 ક્ષેત્રાધિકારી, 160 ઈન્સ્પેક્ટર, 700 કોન્સ્ટેબલ, પીએસીની 42 કંપનીઓ, આરએએફની પાંચ કંપનીઓ તહેનાત કરવામાં આવી છે. તેના સિવાય એટીએસના કમાન્ડો અને ડ્રોન કેમેરા પણ ગોઠવવામાં આવ્યા છે.શિવસેનાના સાંસદ સંજય રાઉતે એમ કહીને માહોલને વધુ ગરમ બનાવી દીધો છે કે, વિવાદીત ઢાંચાને ધ્વસ્ત કરવામાં 17 મિનિટ લાગી હતી. તો પછી રામમંદિરના નિર્માણ માટે કાયદો બનાવવામાં આટલો વિલંબ કેમ થઈ રહ્યો છે? સંજય રાઉત અધ્યોધ્યામાં ગત કેટલાક દિવસોથી શિવસેનાના સમર્થકો સાથે પડાવ નાખીને બેઠા છે.મળતી માહિતી મુજબ ઉદ્ધવ ઠાકરે આજે ફૈઝાબાદ એરપોર્ટ ખાતે પહોંચશે. બાદમાં તેઓ સાધુ સંતો સાથે મુલાકાત કરશે. અયોધ્યા મુલાકાત દરમિયાન ઉદ્ધવ ઠાકરે સાથે તેમના પત્ની અને તેમના પુત્ર પણ હાજર રહેશે. અયોધ્યાની મુલાકાત પહેલા ઉદ્ધવ ઠાકરેએ પુણેમાં છત્રપતિ શિવાજી મહારાજના જન્મસ્થાન શિવનેરી કિલ્લામાંથી માટીનો કળશ ભર્યો હતો. તેઓ આ માટીનો કળશ અયોધ્યામાં રામજન્મભૂમિના મહંતને સોંપશે.વિશ્વ હિન્દુ પરિષદ પણ રવિવારે રામમંદિરના ઝડપી નિર્માણની માગણી સાથે ધર્મસંસદનું આયોજન કરશે. આયોજકો તેના માટે રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી લોકોને લાવવા લઈ જવા માટે ઘણી ટ્રેન, બસ સહિતના વાહનોની વ્યવસ્થા કરી છે. પોલીસ સૂત્રોનું કહેવું છે કે, રવિવારે બે લાખથી વધારે લોકોના અયોધ્યામાં આવવાની શક્યતા છે.

સાધ્વી પ્રાચીએ માગણી કરી છે કે, કેન્દ્રની ભાજપ સરકાર અયોધ્યામાં રામમંદિર બનાવવા માટે સંસદમાં અધ્યાદેશ લાવે. જેથી રામમંદિર નિર્માણના માર્ગમાં રહેલી અડચણો દૂર કરી શકાય. સાધ્વી પ્રાચીએ કહ્યું છે કે અયોધ્યામાં રામમંદિર નિર્માણ નિશ્ચિત છે અને 25 નવેમ્બરે અયોધ્યામાં આ મામલે વિચાર વિમર્શ માટે લાખો રામભક્તો એકત્રિત થઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, અયોધ્યામાં રામમંદિર અને બાબરી મસ્જિદનો મામલો સુપ્રીમ કોર્ટમાં છે. કોર્ટે કહ્યું છે કે, જાન્યુઆરીમાં આ સંદર્ભે વધુ સુનાવણી કરવામાં આવશે. વીએચપી, આરએસએસ, શિવસેના અને અન્ય નેતાઓનું કહેવું છે કે, રામમંદિર નિર્માણમાં ઘણો વિલંબ થઈ ચુક્યો છે. હવે વધારે રાહ જોઈ શકાય તેમ નથી.