ભૂતપૂર્વ PM, ‘ભારત રત્ન’ વાજપેયી (93)નું નિધન; સ્મૃતિ સ્થળ ખાતે અંતિમ સંસ્કાર

0
3389

નવી દિલ્હી ભૂતપૂર્વ વડા પ્રધાન અટલબિહારી વાજપેયીનું આજે અહીં નિધન થયું છે. એ 93 વર્ષના હતા. એમણે અહીં AIIMS હોસ્પિટલમાં આજે સાંજે 5.05 વાગ્યે અંતિમ શ્વાસ લીધો હતો.

વાજપેયી બે મહિનાથી પણ વધારે સમયથી હોસ્પિટલમાં કિડનીમાં ચેપ ઉપરાંત યુરિનરી તકલીફ, છાતીમાં કફનો ભરાવો થવા જેવી તકલીફો માટે સારવાર હેઠળ હતા. એઈમ્સ હોસ્પિટલ દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદીમાં વાજપેયીના નિધનના સમાચાર આપવામાં આવ્યા હતા.

વાજપેયીના પાર્થિવ દેહને આજે સાંજે AIIMS હોસ્પિટલમાંથી એમના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યો હતો. અંતિમ દર્શન માટે એ આવતીકાલે નવી દિલ્હીમાં ભાજપના મુખ્યાલયમાં રાખવામાં આવશે. અંતિમ સંસ્કાર આવતીકાલે દિલ્હીમાં સ્મૃતિ સ્થળ ખાતે કરવામાં આવશે.

વાજપેયીના પાર્થિવ શરીરને અંતિમ દર્શન આજે રાતે 9.30 વાગ્યાથી એમના નિવાસસ્થાને રાખવામાં આવશે. ત્યારબાદ આવતીકાલે સવારે 9 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી ભાજપના મુખ્યાલયમાં અંતિમ દર્શન કરી શકાશે. બપોરે 1 વાગ્યાથી અંતિમ યાત્રા કાઢવામાં આવશે અને સાંજે 4 વાગ્યે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

વાજપેયીના માનમાં કેન્દ્ર સરકારે સાત દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે.

નાદુરસ્ત તબિયતને કારણે વાજપેયી એક દાયકાથી પણ વધારે સમયથી જાહેર જીવનથી દૂર રહ્યા હતા. એમને ડાયાબિટીસની બીમારી હતી. છેલ્લા 36 કલાક દરમિયાન એમની તબિયતમાં વધારે બગાડો થયો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ છેલ્લા બે દિવસમાં બે વાર એઈમ્સ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

વાજપેયીનો જન્મ 1924ની 25 ડિસેંબરે મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં થયો હતો. એમના પિતા પંડિત કૃષ્ણબિહારી વાજપેયી એક સ્કૂલ શિક્ષક હતા.

ભારતીય જનતા પાર્ટીના સંસ્થાપકોમાંના એક, વાજપેયી 1996થી 1999 વચ્ચે ત્રણ વાર વડા પ્રધાન બન્યા હતા. પહેલી વાર, 1996માં એ વડા પ્રધાન બન્યા હતા, પણ એમની સરકાર માત્ર 13 દિવસ જ ચાલી હતી. 1998માં એ બીજી વાર વડા પ્રધાન બન્યા હતા. ત્યારે એમની સરકાર 13 મહિના ચાલી હતી. 1999માં એ ફરી વડા પ્રધાન બન્યા હતા અને પાંચ વર્ષની મુદત એમણે પૂરી કરી હતી.

પાંચ વર્ષની મુદત પૂરી કરનાર એ પહેલા બિન-કોંગ્રેસી વડા પ્રધાન બન્યા હતા.

વાજપેયી વિશે એવું કહેવાય છે એ ભારતીય રાજકારણના અજાત શત્રુ હતા. એમને કોઈ રાજકીય શત્રુઓ નહોતા.

વાજપેયીના નિધનના સમાચાર સાંભળીને એમની પર ચારેબાજુએથી શ્રદ્ધાંજલિનો વરસાદ વરસી રહ્યો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વીટમાં વાજપેયીના નિધનને એક યુગના અંત તરીકે ઓળખાવ્યું છે અને કહ્યું છે કે દરેક ભારતીય તથા ભાજપ કાર્યકર્તા વાજપેયીના દ્રષ્ટિકોણ પ્રમાણે જીવનમાં આગળ વધવાનું ચાલુ રાખશે.

મોદીએ અનેક ટ્વીટ્સ દ્વારા પોતાની શબ્દાંજલિ એમને અર્પણ કરી છે.

પોતાના આદરણીય નેતા વાજપેયીના નિધન અંગે ભારતીય જનતા પક્ષે કરેલું ટ્વીટ…

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું છે કે વાજપેયી સાચા અર્થમાં ભારતીય મુત્સદ્દી હતા. એમની નેતાગીરી, દૂરંદેશીપણા તથા વાક્છટાએ એમનું અનોખું વ્યક્તિત્વ નિર્માણ કર્યું હતું.

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ કહ્યું છે કે વાજપેયી પ્રત્યે કરોડો લોકોને આદર હતો. ભારતે આજે એક મહાન સપૂતને ગુમાવી દીધો છે.

વાજપેયી સાજા થઈ જાય એ માટે દેશભરમાં અનેક મંદિરોમાં ખાસ પ્રાર્થના કરવામાં આવી રહી હતી, યજ્ઞ, હવન કરવામાં આવી રહ્યા હતા તો અજમેર શરીફ દરગાહમાં મુસ્લિમ પ્રશંસકો એમને માટે દુઆ કરી રહ્યાં હતાં. ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્રમાં તેમજ જે રાજ્યોમાં એની સરકાર છે ત્યાં તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે. પાર્ટીના તમામ દિગ્ગજ નેતાઓ સવારથી જ દિલ્હીમાં આવી ગયા હતા.

મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલ મંદિરમાં ભાજપના કાર્યકર્તાઓ તથા 11 પંડિતો મહામૃત્યુંજય મંત્રનું ઉચ્ચારણ કરી રહ્યાં હતા.

ગ્વાલિયરમાં, મધ્ય પ્રદેશ યુવા કોંગ્રેસના એક નેતાએ એક દરગાહમાં વાજપેયી સાજા થઈ જાય એ માટે પવિત્ર ચાદર ચઢાવી હતી.