‘શિવભક્ત’ રાહુલ ગાંધીને ચૂંટણી સમયે ફરી યાદ આવ્યા ભગવાન

ઉજ્જૈન- કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશમાં 28 નવેમ્બરે યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે ઈન્દૌર અને ઉજ્જૈનમાંથી ચૂંટણી પ્રચાર શરુ કરી દીધો છે. રાહુલ ગાંધીએ ધાર્મિક નગરી ઉજ્જૈનના પ્રસિદ્ધ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કર્યા હતા. રાહુલ ગાંધી  પહેલાં પણ બે વખત મહાકાલેશ્વરના દર્શને આવી ચુક્યા છે.વર્ષ 2004માં લોકસભાની ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી મહાકાલેશ્વરના દર્શને આવ્યા હતા. અને જનસભાને સંબોધન કર્યું હતું. આ વખતે ફરી એકવાર ચૂંટણી પ્રચારે નિકળેલા રાહુલ ગાંધીએ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરી જનસભાને સંબોધન કર્યું હતું. મંદિરમાં દર્શન કરવા દરમિયાન રાહુલ ગાંધીની સાથે મધ્યપ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ કમલનાથ અને સંસદસભ્ય જ્યોતિરાદિત્ય સિંધિયા પણ હાજર રહ્યા હતા.

આપને જણાવી દઈએ કે, ગત વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધી જ્યારે મંદિરોમાં માથુ ટેકવી રહ્યાં હતા તે વખતે ભારતીય જનતા પાર્ટીએ રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. જેનો જવાબ આપતાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, ‘હું શિવભક્ત છું અને સત્યતામાં વિશ્વાસ રાખું છું’.

ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા સંબિત પાત્રાએ જણાવ્યું કે, 70 વર્ષોથી કોંગ્રેસ સેક્યુલરિઝમના નામ પર રાજનીતિ કરતી આવી છે. આ લોકો હિન્દુઓને સેકેન્ડ ક્લાસ નાગરિક માને છે.