કર્ણાટક વિધાનસભા ચૂંટણી: 10 દિવસમાં 65 રેલી કરશે પીએમ મોદી, અમિત શાહ અને યોગી

0
2695

બેંગલુરુ- કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે 12 મેના રોજ મતદાન કરવામાં આવશે. એટલે ચૂંટણીમાં હવે બે સપ્તાહનો સમય બાકી રહ્યો છે. પ્રજાને આકર્ષવા રાજકીય પાર્ટીઓ હવે રેલી અને રોડશો તરફ ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. રાજ્યની વર્તમાન સિદ્ધારમૈયા સરકારનું પુનરાવર્તન થાય નહીં તે માટે ભારતીય જનતા પાર્ટી તેની પુરી તાકાત લગાવી રહી છે. પાર્ટીએ તેના ટોચના ત્રણ નેતાઓ એટલે કે, પીએમ નરેન્દ્ર મોદી, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથની રેલીઓનું આયોજન કરવા પ્રયાસ શરુ કરી દીધાં છે.પાર્ટી સૂત્રોના જણાવ્યા મુજબ એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, પીએમ મોદી રાજ્યમાં લગભગ 15 રેલીને સંબોધન કરશે. જ્યારે અમિત શાહ 30 અને યોગી આદિત્યનાથ 20 રેલીને સંબોધન કરશે. અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો માટે પ્રચાર કરશે. જોકે પીએમ મોદી સિવાય અમિત શાહ અને યોગી આદિત્યનાથની રેલીઓની સંખ્યા જરુર પ્રમાણે વધારવામાં અથવા ઘટાડવામાં આવી શકે છે.

રાજ્યમાં ચૂંટણી પ્રચાર પુરો થવામાં બે સપ્તાહથી પણ ઓછો સમય બાકી રહ્યો છે. ચૂંટણી પ્રચાર 10મી મેના રોજ સાંજે 5 વાગ્યે પુરો થશે અને 12 મેના રોજ મતદાન યોજાશે. રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળશે. જેથી બન્ને પાર્ટીના પદાધિકારીઓ પ્રજાને પોતાની તરફ આકર્ષવા રેલીઓ યોજીને માહોલ બનાવવા પ્રયાસ કરી રહ્યાં છે.