જાતીય સમીકરણોને કારણે કોવિંદને રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યાં: અશોક ગેહલોત

નવી દિલ્હી- રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પર વિવાદિત નિવેદન આપ્યું છે. ગેહલોતે કહ્યું કે, જાતિય સમીકરણોને કારણે રામનાથ કોવિંદને રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા હતાં. અને લાલ કૃષ્ણ અડવાણીજી રાષ્ટ્રપતિ ન બની શક્યા.

મુખ્યપ્રધાન ગેહલોતે કહ્યું કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની ભાજપે એટલા માટે પસંદગી કરી હતી જેથી ગુજરાત ચૂંટણી પહેલા તેમની જાતિના મતદારો ખુશ થઈ શકે. ગુજરાતની ચૂંટણીમાં લાભ લેવા માટે ભાજપે રામનાથ કોવિંદને રાષ્ટ્રપતિ બનાવ્યા હતાં. કારણે કે એ વખતે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક હતી, અને તેઓ (ભાજપ) ગભરાઈ ગયા હતાં કે, તેમની સરકાર ગુજરાતમાં નહીં બને. મારુ એવું માનવું છે કે, રામનાથ કોવિંદજીને જાતીય સમીકરણો જાળવી રાખવા માટે રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા અને અડવાણી સાહેબ ભૂલાઈ ગયા.

રાહુલ ગાંધીના રાઈટ હેન્ડ મનાતા ગેહલોતના આ પ્રકારના નિવેદન પછી હવે રાજકારણમાં વધુ ગરમાવો આવી શકે છે. તાજેતરમાં આ પ્રકારના આક્ષેપો-પ્રતિઆક્ષેપો થતા રહ્યાં છે. કોંગ્રેસના નેતા અને પૂર્વ ક્રિકેટર નવજોતસિંઘ સિધૂએ બિહારના કટિહારમાં એક વિવાદિત નિવેદન આપતા જનસભામાં મુસ્લિમ સમુદાયને એકજૂટ થઈને કોંગ્રેસના પક્ષમાં મતદાન કરવાની અપીલ કરી હતી.

જો કે, રાષ્ટ્રપતિને લઈને આપેલા નિવેદન પર થયેલા વિવાદ બાદ ગેહલોતે ટ્વીટ કરીને કહ્યું એ ખુબજ દુર્ભાગ્યપૂર્ણ છે કે, કેટલાક મીડિયા હાઉસો પત્રકાર પરિષદમાં મે આપેલા નિવેદનને ખોટી રીતે રજૂ કરી રહ્યાં છે. હું વ્યક્તિગત રીતે રામનાથ કોવિંદનું અને દેશના રાષ્ટ્રપતિનો ખુબજ આદર કરું છું. હું કોવિંદજીને વ્યક્તિગત રીતે મળ્યો છું અને તેમની સાદગી અને વિનમ્રતાથી હું ઘણો પ્રભાવિત છું.

લોકસભા ચૂંટણીની વચ્ચે વિવાદસ્પદ નિવેદનોને લઈને ચૂંટણી પંચની કડક વલણ છતાં ચૂંટણી રેલીઓમાં નેતાઓ દ્વારા વિવાદિત નિવેદનોનો દોર યથાવત છે.

ભાજપ તરફથી જીવીએલ નરસિંહ રાવે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે કોંગ્રેસ શું ગરીબ અને દલિત સમાજમાંથી આવનારા રાષ્ટ્રપતિજીની વિરોધમાં છે. એક કાબિલ વ્યક્તિ અને જ્ઞાની વ્યક્તિ હોવા છતાં સમાજનું નામ લઈને કોંગ્રેસ રાષ્ટ્રપતિજી સાથે આખા સમાજ અને દેશને બદનામ કરી રહી છે.