અશોક ગેહલોતનો આરોપ: પ્રશાંત કિશોરની ટીમ છે ભ્રષ્ટાચારનો અડ્ડો

નવી દિલ્હી- વર્ષ 2014માં ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી માટે ચૂંટણી ઝુંબેશની જવાબદારી સંભાળનારા પ્રશાંત કિશોરને મોટા વ્યૂહરચનાકાર તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ 2017માં ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો હાથ મજબૂત કરવાની જવાબદારી પણ પીકેને સોંપવામાં આવી હતી.જોકે પરિણામ ખૂબ જ નિરાશાજનક આવ્યું હતું. અને કોંગ્રેસ પીકે સાથે છેડો ફાડ્યો હતો. જોકે રાહુલ ગાંધીની ટીમનો અગત્યનો ભાગ રહેલા પ્રશાંત કિશોર પર હવે કોંગ્રેસ પાર્ટી દ્વારા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે.

રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોતે આરોપ લગાવ્યો છે કે, પ્રશાંત કિશોરની ટીમ ભ્રષ્ટાચારનો અડ્ડો હતી. સારું થયું કે કોંગ્રેસ પાર્ટીને પ્રશાંત કિશોરથી છુટકારો મળી ગયો. અશોક ગેહલોતનું આ નિવેદન એ વિવાદ બાદ આવ્યું છે, જેમાં કોંગ્રેસના નેતાઓને ટિકિટ પાક્કી હોવાના ફોન આવી રહ્યા છે.

આપને જણાવી દઈએ કે, રાજસ્થાનમાં ડિસેમ્બરમાં વિધાનસભા ચૂંટણી યોજાશે. જેને લઈને હાલમાં પાર્ટીમાં મંથન ચાલી રહ્યું છે. આવામાં કેટલાક નેતાઓને ફોન આવી રહ્યાં છે કે, ટિકિટ આપવા માટેના સર્વેમાં એમનું નામ નક્કી માનવામાં આવી રહ્યું છે.

અશોક ગેહલોતે વધુમાં જણાવ્યું કે, આ પ્રકારના ફોન કોલ્સના કારણે કેટલાક પદાધિકારીઓ દિલ્હી પહોંચ્યા હતા. જ્યાં આ વાતની સ્પષ્ટતા થઈ હતી. ગેહલોતે કહ્યું કે, આપ લોકો જાણો છો કે, તેઓ ક્યાં ચાલ્યા ગયા છે. પ્રશાંત કિશોરની ટીમ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ હતી.