વિજય માલ્યા જૂઠ્ઠું બોલે છેઃ અરૂણ જેટલીએ સ્પષ્ટતા કરી

0
2136

નવી દિલ્હી – ભારતની બેન્કો પાસેથી રૂ. 9000 કરોડ લઈને બ્રિટન ભાગી ગયેલા ઉદ્યોગપતિ વિજય માલ્યાએ આજે લંડનની કોર્ટની બહાર એવો ધડાકો કર્યો હતો કે પોતે ભારત છોડતા પહેલાં નાણાં પ્રધાન અરૂણ જેટલીને મળ્યો હતો. પણ જેટલીએ જરાય સમય વેડફ્યા વગર આજે એ વિશે સ્પષ્ટતા કરી દીધી છે કે માલ્યા જૂઠ્ઠું બોલે છે.

જેટલીએ વિગતવાર ખુલાસો કર્યો છે.

જેટલીએ ફેસબુક પર લખ્યું છે કે, માલ્યાએ પત્રકારો સમક્ષ કરેલા એક નિવેદન વિશે મારું ધ્યાન દોરવામાં આવ્યું છે. એમાં માલ્યાએ એવું કહ્યું હતું કે એ મને મળ્યો હતો અને સમાધાનની ઓફર કરી હતી. પણ એનો દાવો વાસ્તવિક રીતે ખોટો છે, એમાં જરાય સત્ય નથી. 2014ની સાલથી મેં માલ્યાને ક્યારેય અપોઈન્ટમેન્ટ આપી નથી અને એ મને મળ્યો હતો એવો પ્રશ્ન ઊભો જ થતો નથી.

જેટલીએ વધુમાં ઉમેર્યું છે કે માલ્યા રાજ્યસભાનો સભ્ય હતો એટલે એ ગૃહમાં પ્રસંગોપાત હાજરી આપતો હતો. એ વિશેષાધિકારનો એણે એકવાર દુરુપયોગ કર્યો હતો અને હું જ્યારે ગૃહમાંથી બહાર નીકળતો હતો અને મારી રૂમ તરફ જતો હતો ત્યારે એ ઝડપથી ચાલીને મારી પાસે આવ્યો હતો અને ચાલતા ચાલતા એણે એક વાક્ય ઉચ્ચાર્યું હતું કે હું સમાધાનની ઓફર કરું છું. એણે ભૂતકાળમાં પણ કરેલી આવી છેતરામણી ઓફરોથી હું સંપૂર્ણપણે વાકેફ હતો. એને કંઈ પણ વધારે બોલતો અટકાવીને મેં એને કહી દીધું હતું કે આવું બધું મને કહેવાનો કોઈ મતલબ નથી અને તમારે બેન્ક અધિકારીઓને જ આવી ઓફરો કરવી જોઈએ. એ વખતે એના હાથમાં જે કાગળીયા હતા એ પણ મેં હાથમાં લીધા નહોતા. રાજ્યસભાના સદસ્ય તરીકે એણે ત્યારે પોતાના વિશેષાધિકારનો દુરુપયોગ કર્યો હતો અને એના તે એક વાક્યને બાદ કરતાં મને મળવાની મેં એને ક્યારેય અપોઈન્ટમેન્ટ આપી નહોતી. એ વિશેનો પ્રશ્ન જ ઊભો થતો નથી.

વાંચો, અરૂણ જેટલીના ખુલાસાવાર ટ્વીટ્સ…

માલ્યાના દાવાની જાણ થયા બાદ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે એવું ટ્વીટ કર્યું હતું કે જેટલીએ પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ. જેટલીએ જાણકારી અત્યાર સુધી શા માટે છુપાવી હતી?

કેજરીવાલે બીજા ટ્વીટમાં એમ જણાવ્યું હતું કે નીરવ મોદી દેશમાંથી ભાગી ગયો એ પહેલાં પીએમ મોદી એને મળ્યા હતા. વિજય માલ્યા ભારતમાંથી ભાગી ગયો એ પહેલાં નાણાં પ્રધાન એને મળ્યા હતા. આ બધી મીટિંગમાં શું બન્યું હતું? લોકો જાણવા ઈચ્છે છે.