આસામ ફેક એન્કાઉન્ટર: મેજર જનરલ સહિત સાતને આજીવન કેદ

નવી દિલ્હી- આસામના તિનસુકિયા જિલ્લામાં વર્ષ 1994માં કરવામાં આવેલા એન્કાઉન્ટર અંગે આર્મી કોર્ટે ચુકાદો આપ્યો છે. જેમાં મેજર જનરલ એ.કે. લાલ સહિત સાત સૈન્યકર્મીઓને 24 વર્ષ જૂના પાંચ યુવકોના નકલી એન્કાઉન્ટર કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.મેજર જનરલ એ.કે. લાલ ઉપરાંત કર્નલ થોમસ મેથ્યૂ, આર.એસ. સિબિરેન, દીલીપ સિંહ, કેપ્ટન જગદેવ સિંહ, નાયક અલબિંદર સિંહ અને નાઈક શિવેન્દ્ર સિંહનો સમાવેશ થાય છે.

18 ફેબ્રુઆરી 1994માં આસામના એક ચાના બગીચાના એક્ઝીક્યુટીવની હત્યાના શંકામાં સેનાએ નવ યુવાનોને તિનસુકિયા જિલ્લામાંથી પકડ્યાં હતા. આ કેસમાં ચાર લોકોને છોડી મુકવામાં આવ્યા હતા. બાકીના લોકો લાપતા હતા. તે સમયે સૈન્યકર્મીઓએ નકલી એન્કાઉન્ટર કરીને પાંચ લોકેને મારી તેમને ઉલ્ફા ઉગ્રવાદી ગણાવ્યા હતા.

જે સાતેય સૈન્યકર્મીને આ ફેક એન્કાઉન્ટર માટે દોષી ઠેરવવામાં આવ્યા છે તેઓ આ ચુકાદાની વિરુદ્ધ આર્મ્ડ ફોર્સેજ ટ્રાઈબ્યુનલ અને સુપ્રીમ કોર્ટમાં પોતાના બચાવ માટે અપીલ કરી શકે છે.