સરકારી નોકરી માટે ઓનલાઈન અરજી કરો છો? સાવધાન….

નવી દિલ્હીઃ શું તમે પણ સરકારી નોકરીની ચાહતમાં ફ્રોડનો શિકાર તો નથી થઈ રહ્યાં ને? અત્યારે મોટાભાગે નોકરી માટે ઓનલાઈન અરજી કરવાની સીસ્ટમ આવી ગઈ છે. આના ચક્કરમાં ઘણા લોકો સાથે ફ્રોડ થયાના પણ અનેક મામલા સામે આવ્યાં છે. હવે સરકારે નોકરીના નામ પર ફ્રોડ કરનારી એક વેબસાઈટને લઈને ચેતવણી જાહેર કરી છે.

જો તમે આયુષ્માન ભારત અથવા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના નામની કોઈ વેબસાઈટ પર જાવ છો તો એ જરુરી નથી કે તમે યોગ્ય વેબસાઈટ પર જઈ રહ્યા છો. આયુષ્માન ભારત યોજનાના નામ પણ ઘણી ફ્રોડ વેબસાઈટ ચાલી રહી છે અને લોકોને ઠગવામાં આવી રહ્યા છે. હવે આયુષ્માન ભારત યોજનાના ડેપ્યુટી સીઈઓ દિનેશ અરોડાએ પણ એક એવી જ વેબસાઈટ મામલે લોકોને એલર્ટ કર્યું છે કે જે સરકારી નોકરી આપવાના નામે લોકોને છેતરી રહ્યા છે.

તેમણે પોતાના ટ્વીટમાં કહ્યું છે કે “ફ્રોડ એલર્ટ”.  https://www.pmjaygov.in એક ફેક વેબસાઈટ છે જે આયુષ્માન ભારત PM-JAY ના નામ પર નોકરી ઓફર કરીને ઈમાનદાર નાગરિકોને ઠગવાનો પ્રયત્ન કરી રહી છે. આની સૂચના પહેલા જ સાયબર સેલને આપી દેવામાં આવી છે. કૃપા કરીને આ મેસેજ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, જેથી વધારે લોકો આનો શિકાર ન બને. આ એક ફેક વેબસાઈટ છે, જે લોકો પાસેથી નોકરીની અરજીના નામ પર 200 રુપિયાનો ચાર્જ પણ લઈ રહી છે. આ વેબસાઈટ પર આયુષ્માન મિત્રના પદ માટે રજીસ્ટ્રેશન લેવામાં આવી રહ્યા છે. અહીંયા આપને એક જાણકારી આપી દઈએ કે તમામ સરકારી વેબસાઈટની યુઆરએલમાં .gov.in હોય છે. સાથે જ ફેક વેબસાઈટની શરુઆત HTTP થી થાય છે, નહી કે HTTPS. એટલા માટે હવેથી નોકરી માટે અરજી કરતા પહેલા થોડા સતર્ક રહો.