કોચિંગ સેન્ટરો માટે નિયમો બનાવવા સુપ્રીમ કોર્ટમાં અરજી…

નવી દિલ્હીઃ સૂરતના ટ્યુશન ક્લાસીસમાં થયેલી આગની ઘટનાને લઈને સુપ્રીમ કોર્ટમાં એક જાહેરહિતની અરજી કરવામાં આવી છે. ખાનગી કોચિંગ સેન્ટર માટે નિયમોનું ગઠન કરવામાં આવે એવી માગ સાથે સુપ્રીમમાં અરજી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતી માટે પ્રાઇવેટ કોચિંગ સેન્ટર માટે નિયમોનું ગઠન કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

અરજીમાં ખાનગી શૈક્ષણિક ઇન્સ્ટિટ્યૂટની માટે કોઈ નિયમો બનાવવામાં આવ્યા ન હોવાનો અરજદારે દાવો કર્યો છે. એસોચેમના સર્વે પ્રમાણે 87 ટકા પ્રાઇમરી સ્કૂલના બાળકો અને 95 ટકા હાયર સેકેન્ડરિના બાળકો ખાનગી ટયુશન ક્લાસમાં અભ્યાસ કરે છે.

ઉલ્લેખનીય છે કે સૂરતમાં એક ખાનગી આર્ટ ઈન્સ્ટિટ્યૂટમાં જે આગ લાગવાની ઘટના ઘટી તેમાં 20 જેટલાં બાળકોએ પોતાના જીવ ગુમાવ્યાં છે. ત્યારે આ સિવાય પણ રાજ્યભરમાં ઘણા એવા ઈન્સ્ટિટ્યૂટ્સ છે કે જ્યાં કોઈપણ પ્રકારની ફાયર સેફ્ટી નથી. અને નિયમોને નેવે મૂકીને ચાલી રહેલા આ પ્રકારના ટ્યૂશન ક્લાસીસમાં રોજ હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

સમગ્ર મામલે દેશભરમાં વાલીઓમાં પોતાના સંતાનોની સુરક્ષાને લઇને ભારે ચિંતા અને ભયનો માહોલ છે જેને લઇને આ પ્રકારની માગણી સાથે સુપ્રીમ કોર્ટમાં ધા નાખવામાં આવી છે.