રાજ્યસભામાં અમિત શાહનું આક્રમક શૈલીમાં ભાષણઃ કહ્યું, ‘બેરોજગાર રહેવું એના કરતાં પકોડા વેચવા સારા’

નવી દિલ્હી – ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અમિત શાહે સંસદમાં પહેલી જ વાર, આજે ભાષણ કર્યું છે અને એમણે આક્રમક વલણ અપનાવીને વિપક્ષ કોંગ્રેસના સભ્યોની આકરાં શબ્દોમાં ઝાટકણી કાઢી હતી.

શાહ રાજ્યસભાના સભ્ય છે. રાષ્ટ્રપતિ કોવિંદે સંસદના બજેટ સત્રના આરંભે બંને ગૃહની સંયુક્ત બેઠકને કરેલા સંબોધન બદલ એમનો આભાર માનતા પ્રસ્તાવ પરની ચર્ચા વખતે અમિત શાહે આ ભાષણ કર્યું હતું. અમિત શાહે ભાષણ કર્યું ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં હાજર હતા.

અમને વારસામાં ખાડા મળ્યા હતા, પૂરતાં સમય તો લાગેને…

અમિત શાહે એમના ભાષણમાં કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ 2014માં કેન્દ્રમાં સત્તા સંભાળી ત્યારે એને વારસામાં (અર્થતંત્રના સંદર્ભમાં) અનેક ખાડા મળ્યા હતા. એને પૂરતાં સમય તો લાગેને. ભાજપ સરકારે જન ધન યોજનાના માધ્યમથી દેશભરમાં 31 કરોડ બેન્ક ખાતા ખોલ્યા છે. આજે દરેક પરિવારનું પોતાનું બેન્ક ખાતું છે.

વડા પ્રધાનની અપીલથી લોકોએ ગેસ સબ્સિડી છોડી…

શાહે વધુમાં કહ્યું કે, વડા પ્રધાન મોદીની અપીલને માન આપીને દેશમાં ઘણા લોકોએ એમની રાંધણગેસની સબ્સિડી જતી કરી હતી. મને એ કહેતાં ગર્વ થાય છે કે 1 કરોડ 30 લાખ લોકોએ વડા પ્રધાનના કહેવાથી ગેસ સબ્સિડી છોડી દીધી છે.

કોંગ્રેસની પકોડા ટિપ્પણી પર વળતો જવાબ…

ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસ પહેલાં, પ્રચારમાધ્યમોએ વડા પ્રધાન મોદીને સવાલ કર્યો હતો કે ભાજપના શાસનમાં દેશમાં બેરોજગારીનું પ્રમાણ વધ્યું છે. એના જવાબમાં વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે રસ્તા પર જે વ્યક્તિ પકોડા વેચે છે એ શું રોજગાર નથી? મોદીના જવાબની સોશિયલ મિડિયા પર ઘણાએ મજાક ઉડાવી હતી અને વિપક્ષ કોંગ્રેસે પણ ભાજપને ટોણા માર્યા હતા.

કોંગ્રેસે કરેલી ટીકાનો જવાબ આપતાં અમિત શાહે કહ્યું કે, બેરોજગાર રહેવું એના કરતાં તો યુવાનો પકોડા વેચે એ સારું કહેવાય. અમે આઠ વર્ષ શાસન કર્યું છે, પણ દેશમાં 55 વર્ષ સુધી શાસન કરનારાઓએ બેરોજગારીની સમસ્યા ઉકેલવા શું કર્યું હતું? આજે દેશમાં બેરોજગારીની સમસ્યા છે એનો અમે ઈનકાર નથી કરતાં, પણ કોઈ યુવાનો બેરોજગાર રહે એનાં મહેનત કરીને પકોડા બનાવે એ સારું કહેવાય. પકોડા બનાવવા એક કંઈ શરમની વાત નથી, પણ એને કોઈ ભિખારી સાથે સરખામણી કરવી, એવા યુવાનોની મજાક ઉડાવવી એ જ શરમની વાત છે. આ કેવા પ્રકારની માનસિકતા છે? એવો સવાલ શાહે કર્યો હતો. પકોડા વેચનારો આગળ જતાં મોટો ઉદ્યોગપતિ થશે એવું બની શકે છે. ચા વેચનાર આજે આ દેશના વડા પ્રધાન બની ગયા છે.

જીએસટી કોંગ્રેસની સહમતિથી જ પાસ થયો છે…

કોંગ્રેસે ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી)ને ગબ્બર સિંહ ટેક્સ કહ્યો છે, પણ કોંગ્રેસની સહમતિથી જ જીએસટી બિલ સંસદમાં પાસ થયું છે. જીએસટી કાઉન્સિલમાં કોંગ્રેસ શાસિત રાજ્યોએ પણ એમના અભિપ્રાયો રજૂ કર્યા હતા. અમુક મુદ્દાઓ પર રાજકારણને બાજુએ રાખવું જોઈએ. અમે ક્યારેય જીએસટીનો વિરોધ કર્યો નહોતો. કોંગ્રેસ પાર્ટી જ્યારે જીએસટીની વાતો કરતી હતી ત્યારે અમે એનો વિરોધ કર્યો નહોતો.

ગરીબ વ્યક્તિ હવે અર્થતંત્ર સાથે જોડાઈ ગયો છે…

અમિત શાહે કહ્યું કે, દેશમાં પ્રત્યેક ગરીબને ઘર અપાવવાનું અમારી સરકારનું લક્ષ્ય છે. ગરીબના ઘરમાં વીજળી, સ્વાસ્થ્ય પહોંચાડવાનું અમારું લક્ષ્ય છે. હું ગરીબ નથી, પણ મેં ગરીબી જોઈ છે. દેશના દરેક ગરીબ વ્યક્તિનું પોતાનું ઘર હોય એ બહુ જરૂરી છે