વાર્ષિક અમરનાથ યાત્રાનો સલામતીના કડક બંદોબસ્ત વચ્ચે આરંભ

જમ્મુ – વર્ષ 2018ની અમરનાથ યાત્રા માટે અહીંથી આજે વહેલી સવારે યાત્રાળુઓના પહેલા સંઘને કશ્મીરસ્થિત બાબા અમરનાથની પવિત્ર ગુફા તરફ રવાના કરવામાં આવ્યો છે. ‘હર હર મહાદેવ’ અને ‘બમ બમ ભોલે’ના નારા લગાવતા યાત્રાળુઓ પોતપોતાની બસમાં ગુફા તરફ જવા નીકળ્યા હતા. એ માટે સલામતીનો અત્યંત કડક બંદોબસ્ત છે.

પહેલા જથ્થાને જમ્મુમાં યાત્રી નિવાસ ભગવતી નગર ખાતેથી રવાના કરવામાં આવ્યું હતું.

યાત્રાળુઓના પ્રથમ બેચને ઝંડો બતાવીને રવાના કરાયો એ વખતે જમ્મુ અને કશ્મીર રાજ્યના મુખ્ય સચિવ બી.વી.આર. સુબ્રમણ્યમ, રાજ્યપાલના સલાહકારો બી.બી. વ્યાસ અને કે. વિજય કુમાર ઉપસ્થિત રહ્યા હતા. વિજય કુમારે કહ્યું કે યાત્રાળુઓની સલામતી અમારી સૌથી મોટી પ્રાથમિકતા છે. અમારો પ્રયાસ રહે છે કે યાત્રીઓને યાત્રા દરમિયાન કોઈ પ્રકારની તકલીફ ન પડે અને યાત્રા સુખરુપ પાર પડે.

અમરનાથ યાત્રામાં દેશના વિવિધ ભાગોમાંથી શ્રદ્ધાળુઓ સામેલ થયા છે. આ તીર્થયાત્રા બાલતાલ અને પહેલગામથી શરૂ થઈ છે. બંને જગ્યાએ શિબિર સ્થળ બનાવવામાં આવ્યા હતા અને સલામતીનો જડબેસલાક બંદોબસ્ત રખાયો છે.

નવી વ્યવસ્થામાં, અમરનાથ યાત્રાના રૂટ પર મોટરસાઈકલ પર સવાર થયેલા જવાનો ચોકીપહેરો ભરશે. સશસ્ત્ર જવાનોની મોટરસાઈકલ સ્ક્વોડ રૂટ પર અમરનાથ યાત્રીઓની સાથે જ રહેશે.