ઈરાદાપૂર્વક ફ્લાઈટ છૂટે તેવું કરે છે એરલાઈન કંપની: સંસદીય કમિટી

નવી દિલ્હી- એરલાઈન કંપનીઓ તેના પ્રવાસીઓ ફ્લાઈટ ચૂકી જાય તેવું ઈરાદાપૂર્વક કરે છે. એટલું જ નહીં તહેવારો, વેકેશન અને કુદરતી હોનારતના સમયમાં એરલાઈન કંપનીઓ તેના પ્રવાસીઓ પાસેથી તેમની મજબૂરીનો લાભ ઉઠાવી વધુ ભાડાં વસૂલે છે અને પોતાનો નફો વધારે છે. આવી જ એરલાઈન્સ કંપનીઓમાં એક નામ સામે આવ્યું છે ઈન્ડિગો એરલાઈન્સ. આપને જાણીને આશ્ચર્ય થશે કે ઉપરોક્ત વાત સંસદીય કમિટીના રીપોર્ટમાં સામે આવી છે.

સંસદીય કમિટીની રિપોર્ટમાં એરલાઈન્સ કંપનીઓ દ્વારા પ્રવાસીઓ સાથે થતા દુર્વ્યવહારનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો ઉપરાંત અનેક ચોંકાવનારા ઘટસ્ફોટ પણ કરવામાં આવ્યા હતા. ગતરોજ રાજ્યસભામાં સંસદીય સ્ટેન્ડિંગ કમિટીએ એરલાઈન્સ દ્વારા તેના પ્રવાસીઓને આપવામાં આવતી સુવિધાઓ અંગેનો રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં વેકેશન અને કુદરતી હોનારતના સમયમાં એરલાઈન કંપનીઓ તેના પ્રવાસીઓ પાસેથી તેમની મજબૂરીનો લાભ ઉઠાવી વધુ ભાડાં વસુલે છે અને પોતાનો નફો વધારે છે. એ વાતનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

સંસદીય કમિટીએ જણાવ્યું કે, એરલાઈન્સના સ્ટાફ દ્વારા પ્રવાસીઓ સાથે અસભ્ય વર્તન કરવાની ઘટનાઓ વધી રહી છે. વધુમા જણાવવામાં આવ્યું કે, કેટલીક ખાનગી એરલાઈન્સ તેના ચેકઈન કાઉન્ટર્સ ઉપર ઈરાદાપૂર્વક લાંબી લાઈનો લગાવે છે, જેથી પ્રવાસી તેની ફ્લાઈટ ચૂકી જાય અને પ્રવાસીને ફરજિયાત મોંઘી ટિકીટ લઈને મુસાફરી કરવી પડે. જેનો સીધો ફાયદો એરલાઈન્સ કંપનીઓને થાય છે.

આપને જણાવી દઈએ કે, ગત વર્ષે નવેમ્બર મહિનામાં એરલાઈન્સના સ્ટાફ દ્વારા અસભ્ય વર્તનનો મામલો સામે આવ્યો હતો.જે સોશિયલ મીડિયામાં ઘણો ચર્ચાસ્પદ થયો હતો. આ વીડિયોમાં ઈન્ડિગો એરલાઈનના કર્માચારી પ્રવાસી સાથે મારપીટ કરતાં જણાયાં હતાં. જેમાં એરલાઈનના એક કર્મચારીએ પ્રવાસીને પકડ્યો હતો જ્યારે બીજો કર્માચારી તેની સાથે મારપીટ કરી રહ્યો હતો અને અપશબ્દો બોલી રહ્યો હતો.