રાફેલ ડીલને વાયુસેના ચીફની ક્લીન ચીટ, સરકારનો બોલ્ડ નિર્ણય ગણાવ્યો

0
2090

નવી દિલ્હી- રાફેલ ફાઈટર જેટ ડીલમાં શરુ થયેલા રાજકીય આરોપ પ્રત્યારોપ વચ્ચે ભારતીય વાયુસેનાના વડાએ ફ્રેન્ચ કંપની દસો એવિએશન સાથે કરવામાં આવેલા કરારને યોગ્ય ગણાવ્યો છે. વાયુસેના પ્રમુખે કહ્યું કે, ‘રાફેલ ડીલથી વાયુસેનાને એક સારું પેકેજ મળવા ઉપરાંત દેશને પણ ઘણા ફાયદા થયા છે’.વિમાન અને કિંમતને લઈને કેન્દ્ર સરકાર પર કૌભાંડનો આરોપ લગાવી રહેલી કોંગ્રેસના દાવાઓથી એકદમ વિપરીત વાયુસેના પ્રમુખ બીએસ ધનોઆએ રાફેલ ડીલને યોગ્ય ગણાવી છે. તેમણે કહ્યું કે, રાફેલ એક ઉત્કૃષ્ટ વિમાન છે અને જ્યારે તે ભારતીય ઉપખંડમાં આવશે ત્યારે તે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. વાયુસેના પ્રમુખે રાફેલને ‘ગેમ ચેન્જર’ ગણાવતા કહ્યું કે, રાફેલ ડીલ એ કેન્દ્ર સરકારનો નીડર નિર્ણય છે.

એટલું જ નહીં, વાયુસેના પ્રમુખે આ સોદા માટે ભારતીય કંપનીની પસંદગી અંગે પણ સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે, ફ્રાન્સની કંપની દસો એવિએશનને જ તેનો ઓફસેટ પાર્ટનર પસંદ કરવાનો હતો. જેમાં ભારત સરકાર અથવા ભારતીય વાયુસેનાની કોઈ જ ભૂમિકા નહતી.

આપને જણાવી દઈએ કે, વાયુસેના પ્રમુખનું આ નિવેદન એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણકે, વિરોધ પક્ષ કોંગ્રેસ મોદી સરકાર પર આરોપ લગાવી રહી છે કે, કેન્દ્ર સરકારે નવી કંપની રિલાયન્સ ડિફેન્સને આ સોદામાં ભાગીદાર કંપની બનાવવા દબાણ કર્યું હતું.