એર ઈન્ડિયાની પાઈલટે પોતાના સીનિયર પર લગાવ્યો શારીરિક શોષણનો આરોપ

0
1191

નવી દિલ્હીઃ એર ઈન્ડિયાની એક મહિલા પાઈલટે સીનિયર પાઈલટ પર શારીરિક શોષણનો ચોંકાવનારો આરોપ લગાવ્યો છે. મહિલા પાઈલટે એર ઈન્ડિયા મેનેજમેન્ટને આ મામલે ફરિયાદ કરી છે. ત્યારબાદ એર ઈન્ડિયા મેનેજમેન્ટે શારીરિક શોષણ મામલાને ગંભીરતાથી લઈને એક ઉચ્ચ સ્તરની તપાસ બેસાડી છે. એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું કે મહિલા પાઈલટે સીનિયર પાઈલટ પર ગંભીર આરોપ લગાવ્યાં છે. મહિલા પાઈલટે ફરિયાદમાં એમ પણ કહ્યું છે કે સીનિયર પાઈલટે મને એમ પણ પૂછ્યું કે તું તારા પતિથી દૂર કેવી રીતે રહી શકે છે અને શું તને દરરોજ સેક્સની જરૂર નથી પડતી. 

પ્રવક્તાના જણાવ્યાં મુજબ મહિલા પાઈલટે મેનેજમેન્ટને મોકલેલી ફરિયાદમાં કહ્યું છે કે સીનિયર પાઈલટે તેને અનેક અયોગ્ય સવાલો પૂછ્યાં. મહિલા પાઈલટે ફરિયાદમાં કહ્યું કે 5 મેના રોજ ટ્રેનિંગ સેશન ખતમ થયા બાદ ઈન્સ્ટ્રક્ટરે સલાહ આપી કે બંનેને હૈદરાબાદની એક સીટી રેસ્ટોરામાં ડિનર કરાવવું જોઈએ. હું સહમત થઈ ગઈ. કારણ કે હું કેટલીક ફ્લાઈટ્સમાં તેમની સાથે રહી હતી અને તેઓ ડિસન્ટ લાગતા હતાં. અમે રાતે લગભઘ 8 કલાકે એર રેસ્ટોરામાં પહોંચ્યાં. જ્યાં મારી સાથે આવા વ્યવહારની શરૂઆત થઈ.

એર ઈન્ડિયાએ બુધવારે કહ્યું કે તેમણે પોતાની એક મહિલા પાઈલટ તરફથી એક કમાન્ડર વિરુદ્ધ લગાવવામાં આવેલા શારીરિક શોષણના આરોપ અંગે ઉચ્ચ સ્તરની તપાસ બેસાડી છે. પાઈલટ તરફથી કરાયેલી ફરિયાદ મુજબ ઘટના પાંચમી મેના રોજ હૈદરાબાદમાં ઘટી જ્યાં કમાન્ડર તેમને તાલિમ આપી રહ્યો હતો. એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું કે “જેવો મામલો અમારા ધ્યાનમાં આવ્યો કે અમે તત્કાળ ઉચ્ચ સ્તરની તપાસ બેસાડી છે. “