લખનઉ-આગરા એક્સપ્રેસ વે પર વાયુસેનાનું શક્તિ પ્રદર્શન, ફાઈટર જેટનું લેન્ડિંગ

લખનઉ- ઉત્તર પ્રદેશના લખનઉ-આગરા એક્સપ્રેસ વે પર ભારતીય વાયુસેનાના ફાઈટર જેટે યુદ્ધાભ્યા કર્યો હતો. એક્સપ્રેસ વે પર મિરાજ-2000, સુખોઈ-30 અને AN- 32 કાર્ગો વિમાનો સહિત કુલ 20 વિમાનોએ લેન્ડિંગ કર્યું હતું.

યુદ્ધાભ્યાસમાં સૌથી પહેલા હરક્યુલિસ સી-130 માલવાહક વિમાને ઉતરાણ કર્યું હતું. હરક્યુલિસે ગાઝિયાબાદના હિડન એરબેઝથી ઉડાન ભરી હતી. એક્સપ્રેસ વે પર લેન્ડિંગ પછી તેમાંથી અનેક વાહનો બહાર આવ્યાં હતાં અને ગરુડ કમાન્ડો પણ ઉતર્યા હતા. આપને જણાવી દઈએ કે, હરક્યુલિસ સી-130 એ ઉન્નાવ પાસે ઉતરાણ કર્યું હતું.

આ ઉપરાંત ગોરખપુર એરબેઝથી ઉડાન ભરનારા ત્રણ જગુઆર ફાઈટર જેટ પણ એક્સપ્રેસ-વે પર ઉતર્યા હતા. અન્ય એક ફાઈટર જેટ મિરાજે ગ્વાલિયર બેઝથી ઉડાન ભરી હતી. ઉલ્લેખનીય છે કે, દેશમાં પ્રથમવાર એક્સપ્રેસ-વે પર આટલા મોટાપાયે એરફોર્સ દ્વારા યુદ્ધાભ્યાસ કરવામાં આવ્યો છે. ગત વર્ષે 21 નવેમ્બરે પણ આ એક્સપ્રેસ વે ઉપર ફાઈટર જેટનું ટચ ડાઉન થયું હતું.

દેશમાં 12 હાઈવેને ફાઈટર જેટના લેન્ડિંગ માટે તૈયાર કરવાની યોજના છે. અહીંથી આખા દેશને આવરી લેવાની યોજના છે. કેન્દ્રીયપરિવહન મંત્રાલય આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે. જેમાં ઓડિશાના નક્સલ પ્રભાવિત વિસ્તારના ત્રણ હાઈવે, ઉપરાંત છત્તીસગઢ અને ઝારખંડમાં પણ અન્ય હાઈવેને ફાઈટર જેટના ઉતરાણ માટે ડેવલપ કરવામાં આવશે. સૈન્ય અધિકારીના જણાવ્યા મુજબ પસંદ કરાયેલા 12 હાઈવેથી ઈમરજન્સીની કોઇ પણ સ્થિતિમાં આખા દેશને કવર કરી શકાશે.