છત્તીસગઢમાં માઓવાદીઓના હુમલામાં સુરક્ષા જવાન, 4 નાગરિકનાં મરણ

રાયપુર – છત્તીસગઢ રાજ્યના દંતેવાડા જિલ્લામાં આજે માઓવાદી નક્સલવાદીઓએ ભયાનક IED (સુરંગ બિછાવીને) વિસ્ફોટ હુમલો કરતાં સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF)ના એક જવાન તથા 4 નાગરિકનાં કરૂણ મરણ નિપજ્યાં છે.

નક્સલવાદીઓએ CISF જવાનોની બસ પર ઈમ્પ્રુવાઈઝ્ડ એક્સપ્લોઝિવ ડીવાઈસ (IED) હુમલો કર્યો હતો. બસ જેવી એ જગ્યાએથી પસાર થઈ કે નીચે બીછાવેલી સુરંગ ધડાકા સાથે ફાટી હતી.

આ હુમલામાં સીઆઈએસએફના બે જવાન ઘાયલ પણ થયા છે.

આ વિસ્ફોટ દંતેવાડા જિલ્લાના બચેલી ગામમાં એક પહાડી વિસ્તારમાં થયો હતો. જવાનો બજારમાંથી અનાજની ખરીદી કરીને એમની છાવણી પર પાછા ફરતા હતા ત્યારે એમની પર હુમલો કરવામાં આવ્યો હતો. ધડાકામાં બસનો ડ્રાઈવર, કન્ડક્ટર, ક્લીનર તથા એક અન્ય વ્યક્તિ પણ માર્યા ગયા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે શુક્રવારે જ રાજ્યના જબલપુર જિલ્લામાં ચૂંટણી રેલીને સંબોધિત કરવા આવવાના છે. એ સ્થળ દંતેવાડાથી 100 કિ.મી. દૂર છે.

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી 12 અને 20 નવેમ્બરે, એમ બે તબક્કામાં યોજાવાની છે. પ્રથમ તબક્કાના મતદાન માટે દંતેવાડાના બચેલી ગામ વિસ્તારમાં CISFના જવાનોના એક દળને તહેનાત કરવામાં આવ્યું છે. આજના હુમલામાં શહીદ થયેલો જવાન એ જ દળનો સભ્ય હતો.

પહેલા તબક્કામાં રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા બસ્તર જિલ્લાના 18 મતવિસ્તારોમાં મતદાન થવાનું છે. આ વિસ્તાર નક્સલવાદી હિંસાખોરોથી ગ્રસ્ત છે. અન્ય 72 મતવિસ્તારોમાં 20 નવેમ્બરે મતદાન થવાનું છે. ચૂંટણીનું પરિણામ 11 ડિસેમ્બરે ઘોષિત કરાશે.

નક્સલવાદીઓએ આગામી વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની વિસ્તારોના મતદારોને હાકલ કરી છે.