પોખરણના 20 વર્ષ બાદ ચીન સુધી પ્રહાર કરવા સક્ષમ ‘અગ્નિ-5 મિસાઈલ’ કરાશે લૉન્ચ

નવી દિલ્હી- રાજસ્થાનના પોખરણમાં 20 વર્ષ બાદ ભારતે ફરી પોતાની સૈન્ય તાકાત દર્શાવવાની તૈયારી શરુ કરી દીધી છે. ભારત પોતાની પહેલી આંતર મહાદ્વિપ બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-5 લૉન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. અગ્નિ-5ની મારક ક્ષમતા 5 હજાર કિમી સુધીની છે. સ્ટ્રેટિજિક ફોર્સેસ કમાન્ડ અંતર્ગત તેને સામેલ કરવામાં આવશે. રક્ષા વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ અગ્નિ પાંચની કેટલીક સિસ્ટમને SFC યૂનિટને સોંપી દેવામાં આવી છે.ડિફેન્સ વિભાગના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ અગ્નિ-5ની બીજી ટ્રાયલ ખૂબ જલદી કરવામાં આવશે. અને તેના માટે તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે. આ જ મિસાઈલની પ્રથમ ટ્રાયલ જાન્યુઆરીમાં કરવામાં આવી હતી. એપ્રિલ 2012થી અત્યાર સુધીમાં અગ્નિ-5ના ચાર ડેવલપમેન્ટર ટ્રાયલ કરવામાં આવ્યા છે. જો અગાઉના પરીક્ષણની જેમ આ વખતે પણ અગ્નિ-5નું પરીક્ષણ સફળ રહેશે તો મિસાઈલને સ્ટ્રેટિજિક બેઝમાં શિફ્ટ કરવામાં આવી શકે છે. આ ઈન્ટર બેલેસ્ટિક મિસાઈલની ખાસીયત એ છે કે, સંપૂર્ણ ચીન તેની રેન્જમાં આવે છે.

ચીન ઉપરાંત યુરોપ અને આફ્રિકાનો કેટલોક વિસ્તાર પણ અગ્નિ-5ની રેન્જમાં આવે છે. ભારત માટે મુખ્ય ચિંતાની વાત એ છે કે, ભારત સબમરીન ન્યૂક્લિયર તાકાતથી સંપૂર્ણ સજ્જ નથી. સબમરીનને ન્યુક્લિયર સ્ટ્રાઈક માટે સૌથી સુરક્ષિત અને સૌથી મજબૂત પ્લેટફોર્મ માનવામાં આવે છે. ભારત દેશ પરમાણુ શક્તિ સંપન્ન હોવા છતાં ‘નો ફસ્ટ યુઝ પોલિસી’નો અમલ કરવા બંધાયેલો છે, જે ચિંતાનો વિષય છે.