પટેલની પ્રતિમા બાદ હવે નેતાજીની પણ પ્રતિમા બનાવોઃ સુભાષચંદ્ર બોઝનાં સગાંઓની માગણી

કોલકાતા – ભારતીય જનતા પાર્ટીના નેતા અને સ્વાતંત્ર્ય સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝના ભત્રીજા-પુત્ર ચંદ્રકુમાર બોઝે આજે કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે આ ક્રાંતિકારી નેતાની પણ પ્રતિમા હોવી જોઈએ અને નેતાજીની હવે પછીની જન્મજયંતીના દિવસ, 23 જાન્યુઆરીએ નવી દિલ્હીમાં ઈન્ડિયા ગેટ ખાતે એમની પ્રતિમાનું અનાવરણ કરવું જોઈએ. ચંદ્રકુમાર બોઝે એમ પણ કહ્યું છે કે નેતાજીની જન્મજયંતીના દિવસે ‘મુક્તિ દિવસ’ ઘોષિત કરવો જોઈએ.

ભારતના અન્ય સ્વાતંત્ર્ય સેનાની અને પ્રથમ નાયબ વડા પ્રધાન તથા ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની બુધવારે 31 ઓક્ટોબરે 143મી જન્મજયંતીએ ગુજરાતમાં નર્મદા નદી કાંઠે એમની 182 મીટર ઊંચી પ્રતિમાનું લોકાર્પણ કરવા બદલ અને પટેલની જન્મતિથિને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉઝવવા બદલ ચંદ્રકુમાર બોઝે કેન્દ્રની એનડીએ સરકારને અભિનંદન આપ્યા છે. પરંતુ એમણે ટ્વીટ કરીને કહ્યું છે કે રાષ્ટ્રીય પાટનગરમાં ભારતના મુક્તિદાતા નેતાજી સુભાષ બોઝની પ્રતિમા મૂકવાની માગણી વધી રહી છે.

ઉલ્લેખનીય છે કે, નેતાજી સુભાષચંદ્ર બોઝે 1943માં સ્થાપેલી આઝાદ હિંદ સરકારની રચનાની 75મી વર્ષગાંઠના દિવસ 21 ઓક્ટોબરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં લાલ કિલ્લા ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.