રાજીવે INS વિરાટ જહાજનો દુરુપયોગ કર્યો હોવાના પીએમ મોદીના દાવાને રદિયો

નવી દિલ્હી – સ્વ. રાજીવ ગાંધી વડા પ્રધાન હતા ત્યારે 1987માં એમના પરિવારની કથિત પિકનિક માટે ભારતીય નૌકાદળના વિમાનવાહક યુદ્ધજહાજ INS વિરાટનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો એવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના દાવાને નૌકાદળના ભૂતપૂર્વ વડા એડમિરલ એલ. રામદાસે નકારી કાઢ્યો છે.

રાજીવ ગાંધીએ એક ટાપુ પર રજા માણવા ગયા હતા ત્યારે INS વિરાટ જહાજનો ઉપયોગ કર્યો હતો. એમાં ઈટાલીથી આવેલા એમના કેટલાક સંબંધીઓ પણ સામેલ થયા હતા. INS વિરાટનો ઉપયોગ અંગત ટેક્સી સર્વિસ તરીકે કરવામાં આવ્યો હતો, એવો આક્ષેપ મોદીએ બુધવારે દિલ્હીમાં એક ચૂંટણી સભામાં કર્યો હતો.

પરંતુ મોદીના દાવાને ભૂતપૂર્વ કમાન્ડિંગ ઓફિસર વાઈસ એડમિરલ વિનોદ પસરીચાએ પણ નકારી કાઢ્યો છે.

રામદાસે એક નિવેદનમાં કહ્યું છે કે પીએમ મોદીની આ વાત ખોટી છે. ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી INS વિરાટ પર એક સરકારી કામસર ગયા હતા. એ રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર વિતરણ માટે INS વિરાટ પર ગયા હતા. રાજીવ ગાંધીની એ સત્તાવાર મુલાકાત હતી. એમની વિરુદ્ધનો આરોપ ખોટો છે. અમે આ પ્રકારના આરોપથી વ્યથિત થયા છીએ. સેનાનો ઉપયોગ કોઈના અંગત ઉપયોગ માટે કરાતો નથી.

ભૂતપૂર્વ વાઈસ એડમિરલ પસરીચાએ કહ્યું કે રાહુલ ગાંધી ત્યારે લક્ષદ્વીપમાં એક સત્તાવાર કામ માટે ગયા હતા. ત્યાં આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની એક મીટિંગ હતી. એ કોઈ ફેમિલી હોલીડે નહોતો. રાજીવની સાથે એમના પત્ની સોનિયા ગાંધી, પુત્ર રાહુલ ગાંધી તથા ભારતીય હવાઈ દળના બે અધિકારી પણ હતા.

યુદ્ધજહાજ પર અમિતાભ બચ્ચન કે સોનિયા ગાંધીનાં માતા-પિતા હતા એવા અહેવાલોને પસરીચાએ રદિયો આપ્યો છે. સશસ્ત્ર દળોને આ રીતે રાજકીય રંગ લગાડવો એ ખોટું છે અને અસ્વીકાર્ય છે. અમે ત્રિવેન્દ્રમથી લક્ષદ્વીપ ગયા હતા. અમે INS વિરાટ પરથી હેલિકોપ્ટર દ્વારા લક્ષદ્વીપ ગયા હતા, કારણ કે ત્રિવેન્દ્રમમાં વિરાટને લાંગરવા માટેની વિશાળ જેટ્ટી નથી. લક્ષદ્વીપ ટાપુ પર રાજીવે અનેક મીટિંગોમાં હાજરી આપી હતી. તેઓ હેલિકોપ્ટર દ્વારા ત્રણ ટાપુઓ પર ગયા હતા.

એડમિરલ રામદાસ ત્યારે પશ્ચિમી નૌકાદળના કમાન્ડર-ઈન-ચીફ હતા. એ પણ ત્યારે વિરાટ જહાજ પર હતા. એમણે પણ આવું જ નિવેદન આપ્યું છે.

એમણે કહ્યું કે મોદીએ ઈન્ડિયા ટુડેના અનિતા પ્રતાપના એક અહેવાલના આધારે કહ્યું હોય એવું લાગે છે.

ભૂતપૂર્વ એડમિરલ રામદાસે અન્ય ભૂતપૂર્વ એડમિરલ અરૂણ પ્રકાશ, ભૂતપૂર્વ વાઈસ એડમિરલો પસરીચા અને મદનજિત સિંહ તરફથી ઈમેલ જવાબો મળ્યા બાદ એક નિવેદનમાં ઉપર મુજબ જણાવ્યું હતું. આ તમામ અધિકારીઓ ત્યારે પશ્ચિમી નૌકાદળમાં સેવા બજાવતા હતા.

નિવેદનમાં જણાવાયું છે કે નૌકાદળના કોઈ પણ જહાજને ગાંધી પરિવારના અંગત ઉપયોગ માટે વાપરવામાં આવ્યું નહોતું.

ટાપુઓ પર ગાંધી પરિવારજનોની મુલાકાત હેલિકોપ્ટરો દ્વારા કરાઈ હતી. વડા પ્રધાન જ્યારે સત્તાવાર ફરજ પર હોય ત્યારે સેનાનાં હેલિકોપ્ટરો દ્વારા પોતાના જીવનસાથીની સાથે પ્રવાસ કરવાનો એમને અધિકાર રહેલો છે.