‘આપ’ ના 20 અયોગ્ય MLAની અરજીનો હાઈકોર્ટે અસ્વીકાર કર્યો

નવી દિલ્હી- આમ આદમી પાર્ટીના 20 ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરાયા બાદ પાર્ટીએ જનતા દરબારમાં જવાનું મન બનાવ્યું છે. દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ આ અંગે દિલ્હીની જનતાને પત્ર લખી સવાલ કર્યો છે કે, દિલ્હીને આ રીતે ફરીવાર ચૂંટણીમાં ધકેલવી કેટલી યોગ્ય છે?ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપત્તિએ AAPના 20 ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવાના ચૂંટણી પંચના નિર્ણયને યોગ્ય ગણાવી તેને પોતાની મંજૂરી આપી હતી. ચૂંટણી પંચના નિર્ણય બાદ ફક્ત 2 દિવસમાં જ આ નિર્ણયને રાષ્ટ્રપતિની મંજૂરી મળી જતાં આમ આદમી પાર્ટીએ આ અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.

દિલ્હીના ડેપ્યૂટી સીએમ મનીષ સિસોદિયાએ ઘટનાને ગંદુ રાજકારણ ગણાવ્યું છે. તેણે કહ્યું કે, ચૂંટાયેલા ધારાસભ્યોને આ રીતે ગેરલાયક ગણાવી સસ્પેન્ડ કરવા એ ગેરબંધારણીય છે. વધુમાં સિસોદિયાએ જણાવ્યું કે, કેન્દ્ર સરકારે વીતેલાં ત્રણ વર્ષમાં દિલ્હી સરકારને પરેશાન કરવામાં કોઈ કસર બાકી નથી રાખી. મનીષ સિસોદિયાએ આ માટે ભારતીય જનતા પાર્ટી પર આરોપ લગાવતા જણાવ્યું કે, આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવીને કેન્દ્ર સરકાર દિલ્હી પર ચૂંટણીનો ભાર નાખવા માગે છે.