પ્રોપર્ટીના સોદાઓ માટે આધાર નંબરને ફરજિયાત બનાવવાનો પ્રસ્તાવ નથી

નવી દિલ્હી – સરકારે આજે સંસદમાં જાણકારી આપી હતી કે દેશમાં પ્રોપર્ટીઓને લગતા સોદાઓ માટે આધાર કાર્ડ નંબરને જોડવાનું ફરજિયાત બનાવવાનો કોઈ પ્રસ્તાવ નથી.

લોકસભામાં લેખિત ઉત્તરમાં કેન્દ્રીય હાઉસિંગ અને શહેરી બાબતોને લગતા ખાતાના રાજ્યકક્ષાના (સ્વતંત્ર ચાર્જ) પ્રધાન હરદીપ સિંહ પુરીએ તેમ છતાં એમ જણાવ્યું છે કે રજિસ્ટ્રેશન એક્ટ, 1908ની જોગવાઈઓ અંતર્ગત પ્રોપર્ટીઓના રજિસ્ટ્રેશન માટે કન્સેન્ટ-બેઝ્ડ આધાર પાત્રતાનો ઉપયોગ કરવાની શક્યતાઓને ચકાસવાની ગ્રામીણ વિકાસ મંત્રાલયે રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોને સલાહ આપી છે.

પુરીનો આજનો જવાબ એમણે ગયા મહિને કરેલા એક નિવેદનને કારણે મહત્વનો બન્યો છે. એમણે એવું નિવેદન કર્યું હતું કે પ્રોપર્ટી સોદાઓ સાથે આધાર નંબરને જોડવાનો આઈડિયા ઘણો સરસ છે અને સરકાર બેન્ક એકાઉન્ટ્સ સાથે પણ આધાર નંબરને જોડવાની છે. પ્રોપર્ટી માર્કેટ માટે અમુક નવા પગલાં લેવામાં સરકારને થોડોક સમય લાગશે.

આજે આ જ મુદ્દે પૂછાયેલા સવાલના જવાબમાં પુરીએ કહ્યું કે પ્રોપર્ટી સોદાઓમાં આધાર નંબરને જોડવાનું ફરજિયાત કરવાનો કોઈ પ્રસ્તાવ નથી.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેનામી પ્રોપર્ટીઓ પર તવાઈ લાવવા વિશે અગાઉ સંકેત આપ્યો હતો. એને પગલે એવી અટકળો વહેતી થઈ છે કે પ્રોપર્ટી સોદાઓ સાથે આધાર નંબરને ફરજિયાત બનાવવામાં આવી શકે છે.

બેનામી પ્રોપર્ટી એટલે એવી પ્રોપર્ટી જેની પર તેનો માલિક કોઈક અન્યના નામે કબજો ધરાવતો હોય છે.