ભિલાઈમાં SAILના સ્ટીલ પ્લાન્ટમાં ધડાકો થતાં 9નાં મરણ, અનેક ઘાયલ

ભિલાઈ (છત્તીસગઢ) – જાહેર ક્ષેત્રમાં ભારતની સૌથી મોટી સ્ટીલ ઉત્પાદક કંપની અને કેન્દ્ર સરકાર હસ્તકની સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ (SAIL)ના અત્રેના ભિલાઈ સ્ટીલ પ્લાન્ટમાં આજે એક ગેસ સપ્લાય પાઈપલાઈનમાં જબ્બર ધડાકો થતાં ઓછામાં ઓછા 9 જણ માર્યા ગયા છે અને બીજાં અનેક ઘાયલ થયા છે.

ભિલાઈ શહેરમાં પ્લાન્ટના કોક ઓવન વિભાગને જોડતી ગેસ પાઈપલાઈનમાં આજે સવારે લગભગ 10.30 વાગ્યે ધડાકો થયો હતો.

ભિલાઈ સ્ટીલ પ્લાન્ટના પ્રવક્તા વિજય મૈરાલને કહ્યું છે કે મોટી દુર્ઘટના થઈ છે. અત્યાર સુધીમાં 9 જણ માર્યા ગયા છે. મરણાંક વધવાની આશંકા છે.

ભિલાઈ પ્લાન્ટ છત્તીસગઢ રાજ્યના દુર્ગ જિલ્લામાં પાટનગર રાયપુરથી 30 કિ.મી. દૂર આવેલો છે. ભારતની આ એકમાત્ર સ્ટીલ ઉત્પાદક કંપની છે અને તે ભારતીય રેલવેને સ્ટીલ સપ્લાય કરે છે.

આ દુર્ઘટનાનાં સમાચાર ન્યૂઝ ચેનલો પર ચમક્યા બાદ શેરબજારોમાં SAIL કંપનીનો શેર 4 ટકાથી વધુ તૂટ્યો હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હજી ગયા જૂન મહિનામાં આધુનિક બનાવેલો અને વિસ્તારિત કરાયેલો ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ રાષ્ટ્રને અર્પણ કર્યો હતો.