યુપીના સોનભદ્રમાં જમીન મુદ્દે સંહારલીલા, હથિયારો સાથે ટ્રેકટરો ભરી ધસી આવ્યાં, 9નાં મોત

સોનભદ્ર-  ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લાના ઉભા ગામમાં જમીન વિવાદ કાયદેસરનો ધીંગાણામાં ફેરવાઈ ગયો હતો. બે પક્ષો વચ્ચે લોહીયાળ જંગ ખેલાયો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, 90 વિઘા જમીનને લઈને જૂની અદાવતને પગલે બે પક્ષોની વચ્ચે અંધાધૂંધ ફાયરિંગ થયું અને ધારિયા જેવા ઘાતક હથિયારોથી પણ હુમલો થયો.

જમીન વિવાદમાં ગ્રામપ્રધાન અને ગ્રામીણ વચ્ચે થયેલા ઝગડામાં એક જ પક્ષના 9 લોકોના મોત થઈ ગયાં છે. જેમાં 6 પુરુષ અને 3 મહિલાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય કેટલાક લોકો ઘાયલ થયાં છે. ઘાયલોની હાલત ગંભીર જણાવાઈ રહી છે હાલ તેમને વારાણસી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

મળતી માહિતી પ્રમાણે ગ્રામ પંચાયતનાં સરપંચે 2 વર્ષ પહેલાં 90 વિઘા જમીન ખરીદી હતી. બુધવારે સરપંચે પોતાનાં સમર્થકો સાથે તે જમીન પર કબજો કરવા પહોંચ્યાં હતાં. ગ્રામજનોએ જમીન પર કબજો કરવા મામલે વિરોધ કર્યો હતો. ત્યારબાદ સરપંચનાં સમર્થકોએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. સોનભદ્ર એસપી સાથે સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. આ ઘટનામાં પોલીસે અત્યાર સુધી બે લોકોની ધરપકડ કરી છે.

ઘોરાવલ કોતવાલી વિસ્તારનાં ઉભા ગામમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સાંજે ચાર વાગ્યે જિલ્લા સરકારી હોસ્પિટલમાં મૃતકોના શબ પોસ્ટમટમ માટે ખસેડવામાં આવ્યાં હતાં.

ઉત્તર પ્રદેશનાં સીએમ યોગી આદિત્યનાથે પણ આ ઘટનાની નોંધ લીધી છે. તેમજ સમગ્ર બનાવની વિસ્તૃત જાણકારીની રાહ જોઇ રહ્યા છે. સીએમ યોગીએ મૃતકોનાં પરિવારજનો પ્રત્યે ઉંડી લાગણી વ્યક્ત કરી છે.

 

સીએમ યોગી આદિત્યનાથે ઇજાગ્રસ્તોને તાત્કાલિક મેડિકલ સેવા પુરી પાડવાનો આદેશ આપ્યો છે. તેમ જ આ ઘટના સંબંધે સોનભદ્ર જિલ્લા મેજીસ્ટ્રેટને ખાસ આદેશ આપ્યો છે. આ ઉપરાંત યુપીનાં ડીજીપીને આદેશ આપ્યો છે કે, આ મામલે તેઓ વ્યક્તિગત રસ દાખવે અને સમગ્ર ઘટના પર દેખરેખ રાખે. તેમજ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરાવે.

સોનભદ્ર નરંસહાર મામલે ડીજીપીએ નિવેદન આપતા કહ્યું કે, જમીન વિવાદ પહેલાથી ચાલી રહ્યો હતો. આ પહેલાં બિહાર કેડરના એક આઈએએસ અધિકારીએ આ જમીન ખરીદી હતી, જેનો સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો.