આગરામાં યૂપી રોડવેઝની બસ નાળામાં પડી; 29 પ્રવાસીનાં કરૂણ મોત

આગરા – ઉત્તર પ્રદેશમાં આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા દોડાવવામાં આવતી એક ડબલ-ડેકર બસ (સ્લીપર કોચ) આજે વહેલી સવારે યમુના એક્સપ્રેસવે પર એક મોટા નાળામાં પડતાં 29 પ્રવાસીઓનાં કરૂણ મરણ નિપજ્યાં છે અને બીજાં અનેક જણ ઘાયલ થયાં છે.

તે બસ ઈટાવાથી દિલ્હી જતી હતી અને અવધ ડેપોની, જનરથ એક્સપ્રેસ રોડવેઝની હતી.

બસ જેમાં પડી ગઈ એ ‘ઝરણા નાલા’ તરીકે ઓળખાય છે.

દુર્ઘટનાની જાણ થતાં જ બચાવ કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પ્રવાસીઓનાં મૃત્યુ અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને ઈજાગ્રસ્તોને જલદી સારવાર મળે એ માટે જિલ્લા મેજિસ્ટ્રેટને સૂચના આપી છે.

કહેવાય છે કે બસના ડ્રાઈવરને ઝોકું આવી ગયું હતું અને તે સ્ટિયરિંગ પરથી અંકુશ ગુમાવી બેઠો હતો, પરિણામે બસ 15 ફૂટ ઊંડા નાળામાં ખાબકી હતી.

20 જણને બચાવી લેવામાં આવ્યા છે.

ઉત્તર પ્રદેશ રોડવેઝે પ્રત્યેક મૃતકના નિકટના સ્વજનને રૂ. પાંચ લાખ એક્સ-ગ્રેશિયા રકમ આપવાની જાહેરાત કરી છે.