રાહુલ ગાંધીના કહેવા પર ગયો હતો પાકિસ્તાનઃ નવજોતસિંહ સિદ્ધુ

હૈદરાબાદઃ કોંગ્રેસના નેતા નવજોતસિંહ સિદ્ધુએ પોતાની પાકિસ્તાન યાત્રા પર મોટું નિવેદન આપ્યું છે. સિદ્ધુએ જણાવ્યું છે કે મને રાહુલ ગાંધીએ જ પાકિસ્તાન મોકલ્યો હતો. તેમણે જણાવ્યું કે મારા કેપ્ટન રાહુલ ગાંધી છે, તેમણે જ મોકલ્યો છે દરેક જગ્યાએ.

સિદ્ધુએ જણાવ્યું કે પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહ સિંહે મને પાકિસ્તાન જવા માટે ના પાડી હતી. પરંતુ આશરે 20 કોંગ્રેસી નેતાઓ અને કેન્દ્રીય નેતૃત્વના કહેવા પર હું પાકિસ્તાન ગયો હતો. પંજાબના મુખ્યપ્રધાન મારા પિતા સમાન છે. હું તેમને પહેલા જ જણાવી ચૂક્યો હતો કે હું પાકિસ્તાન જઈશ. મારા કેપ્ટન રાહુલ ગાંધી છે અને સીએમ સાહેબના કેપ્ટન પણ રાહુલ ગાંધી છે.

હૈદરાબાદમાં કોંગ્રેસ માટે પ્રચાર કરવા પહોંચેલા સિદ્ધુએ જણાવ્યું હું જ્યારે પાકિસ્તાનથી પાછો આવ્યો અને કરતારપુર કોરિડોરની વાત કરી હતી ત્યારે લોકોએ મારી મજાક ઉડાડી હતી. અત્યારે તે જ લોકો પોતાના નિવેદનથી યૂ ટર્ન લઈ રહ્યા છે. તેલંગાણાના સીએમ કે.ચંદ્રશેખર રાવની તુલના કાચીંડા સાથે કરતા સિદ્ધુએ કહ્યું કે ચંદ્રશેખર રાવે સોનિયાજી સાથે દગો કર્યો છે. તે પોતાના 300 કરોડના બંગ્લામાં રહે છે. સચિવાલય નથી જતા. અમે રાહુલ ગાંધીના સિપાહી છીએ, મારો નારો છે “બુરે દિન જાને વાલે હૈ ઔર રાહુલ ગાંધી આને વાલે હૈ.લાલ કિલે પર ઝંડા ફહરાને વાલે હૈ. કોઈ રોક સકે તો રોકો”.

તો આ સિવાય પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેશીના નિવેદન પર તેમણે જણાવ્યું કે હું બેટ્સમેન છું અને મને ગુગલી રમતા આવડે છે.