ભારતના 13,500 ગામડાંઓમાં શાળા નથીઃ કેન્દ્ર સરકારનો એકરાર

નવી દિલ્હી – કેન્દ્ર સરકારના ગ્રામિણ વિકાસ મંત્રાલયના એક અહેવાલમાં એવી ચોંકાવનારી જાણકારી આપવામાં આવી છે કે દેશના તમામ રાજ્યોના મળીને આશરે 13,511 ગામડાંઓમાં એક પણ શાળા નથી.

દેશના હજારો ગામડાઓમાં શાળાના અભાવના કારણ અંગે ચર્ચા કરતાં ગ્રામિણ વિકાસ મંત્રાલયના એક અધિકારીએ કહ્યું કે રાજ્ય સરકારોના ઉદાસીન વલણને કારણે અસંખ્ય ગામડાઓમાં શાળા શરૂ કરી શકાઈ નથી.

અધિકારીએ વધુમાં કહ્યું કે કેટલાક એવા પણ ગામડા છે જ્યાં શાળા શરૂ કરવા માટે જરૂરી વસ્તી નથી.

ઉત્તર પ્રદેશ એવું રાજ્ય છે જ્યાં શાળા ન હોય એવા સૌથી વધારે ગામડા છે. જ્યારે મણિપુર એવું રાજ્ય છે જ્યાં એકેય ગામ શાળાવિહોણું નથી. ઉત્તર પ્રદેશમાં 1,07,452 ગામડા છે અને 3474 ગામોમાં શાળા નથી.

ગુજરાતમાં, 18,676 ગામડા છે અને એમાંના 51 ગામોમાં શાળા નથી.

મહારાષ્ટ્રમાં 44,198 ગામડા છે અને એમાંના 468 ગામોમાં શાળા નથી.

સમગ્ર દેશમાં, શાળાકીય શિક્ષણ પૂરું પાડવાના મામલે ઈશાન ભારતના રાજ્યોનો દેખાવ અન્ય રાજ્યો કરતાં વધારે સારો છે.